Home Gujarat Another Policeman Commits Death In Vadodara City Creating Confusion In The Police Syste

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું! : બીમારીથી કંટાળી હેડક્વાર્ટરના કર્મચારી કૃષ્ણકાંત સોરઠીયાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરામાં વધુ એક પોલીસકર્મીનું અંતિમ પગલું!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 02:21 PM IST

વડોદરા શહેરમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરતા પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કૃષ્ણકાંત સોરઠીયાએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

માહિતી અનુસાર કૃષ્ણકાંત સોરઠીયા વડોદરા પોલીસ હેડક્વાર્ટરના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સતત ચાલતી બીમારીથી કંટાળીને તેમણે આકસ્મિક રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટના વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને બની હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ મકરપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં બીમારીના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમ છતાં સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે મકરપુરા પોલીસ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો તેમજ નજીકના લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ વડોદરામાં એક મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અઠવાડિયામાં પોલીસ વિભાગમાં આવી બીજી ઘટના સામે આવતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સતત વધતી આવી ઘટનાઓને લઈ પોલીસ બેડામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ મકરપુરા પોલીસ સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ઘટનાને લઈને વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now