Home Gujarat Mahila Congress Attacks Central Government On Inflation Issue Four Demands Including Reduction In Petroldiesel Tax

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક : પેટ્રોલ-ડીઝલના ટેક્સ ઘટાડવા સહિત 4 મુખ્ય માંગણીઓ સાથે કેન્દ્ર પર કર્યા પ્રહાર

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 02:49 PM IST

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલએ જણાવ્યું હતું કે હાલ દેશના સામાન્ય નાગરિક માટે સૌથી મોટી સમસ્યા મોંઘવારી બની ગઈ છે, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે અસરકારક પગલાં લેવા નિષ્ફળ રહી છે.

તેમણે કહ્યું કે મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક, ખેડૂત, મજૂર, મધ્યવર્ગ અને ગૃહિણીઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. રસોડાનું બજેટ સતત બગડી રહ્યું છે અને આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે કરોડો પરિવારો પર આર્થિક ભાર વધી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો તેમજ ખાદ્ય તેલ, દાળ, શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ મોંઘી થતા સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. તેમણે સરકારની આર્થિક નીતિઓને મોંઘવારી નિયંત્રણમાં નિષ્ફળ ગણાવી હતી.

ગીતાબેન પટેલએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર વધારાના કર તથા આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં સરકારની નિષ્ક્રિયતાના કારણે જનતા પર સતત આર્થિક બોજો વધી રહ્યો છે. જ્યારે દેશની જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે સરકાર અન્ય મુદ્દાઓ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

આ સાથે મહિલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ પણ મૂકી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા વધારાના કરમાં ઘટાડો, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત, ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે મજબૂત નીતિ અને મોંઘવારીથી પ્રભાવિત ગરીબ તથા મધ્યવર્ગ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે મોંઘવારી દેશનો સૌથી મોટો જનમુદ્દો બની ગઈ છે અને મહિલા કોંગ્રેસ આ મુદ્દાને સંસદથી લઈને સડક સુધી મજબૂતીથી ઉઠાવતી રહેશે. આ પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ ઝીલ શાહ, પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હેતલબેન પંચાલ તેમજ અઝરાબેન કાદરી ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now