Home Gujarat Impact Of Israel Iran War Baroda Medical College Hostel Mess Closed From Toda

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર : મેડિકલના વિદ્યાર્થીઓ પર 'યુદ્ધ'નો માર, ગેસની અછત સર્જાતા હોસ્ટેલમાં રસોડા બંધ

ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:38 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર પડતાં બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલ મેસ આજથી બંધ કરવાની ફરજ પડી છે. કોમર્શિયલ ગેસના બોટલ ઉપલબ્ધ ન રહેતાં મેસ સંચાલકો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે.

માહિતી અનુસાર, બરોડા મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે દરરોજ મેસમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો નિયમિત રીતે મળતો ન હોવાથી મેસ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે ગેસના બોટલ સંપૂર્ણપણે ખલાસ થઈ જતા સંચાલકોએ મેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મેસ સંચાલકના જણાવ્યા મુજબ, હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ નથી અને સપ્લાય ક્યારે પુનઃ શરૂ થશે તે અંગે સ્પષ્ટતા પણ નથી. જેના કારણે આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ રાખવું પડશે. ગેસ વિના મોટા પ્રમાણમાં ભોજન તૈયાર કરવું શક્ય નથી, તેથી મેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બરોડા મેડિકલ કોલેજમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટી સંખ્યામાં તબીબી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. મેસ બંધ થતા હજારો વિદ્યાર્થીઓના જમવાના પ્રશ્નો ઊભા થયા છે. ઘણા વિદ્યાર્થીઓ માટે મેસ જ મુખ્ય ભોજનની વ્યવસ્થા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. મેસ બંધ થતાં હવે બહારથી જમવાનું મંગાવવું અથવા નજીકની હોટેલોમાં જમવું પડશે, જેના કારણે વધારાનો ખર્ચ પણ થશે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેસ સંચાલકો અને વિદ્યાર્થીઓએ ગેસ પુરવઠો ઝડપથી શરૂ કરવા માટે સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. જો ગેસનો પુરવઠો સમયસર પુનઃ શરૂ નહીં થાય તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now