ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમલમાં મૂકાયેલી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ બંને યોજનાઓના કારણે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અને શિક્ષણ પ્રત્યેનો રસ નોંધપાત્ર રીતે વધ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાઓ રાજ્યના શૈક્ષણિક માળખામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આ મોનિટરિંગના આધારે તૈયાર થયેલા આંકડાઓ મુજબ, નમો લક્ષ્મી યોજના અમલમાં આવ્યા બાદ ધોરણ 9થી 12માં 80 ટકા અથવા તેથી વધુ હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
દીકરીઓની હાજરીમાં 73 ટકાનો વધારો
આંકડાઓ અનુસાર વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 9થી 12ના વર્ગખંડોમાં 80 ટકા હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,71,988 હતી. આ સંખ્યા વર્ષ 2025-26માં વધીને 2,96,495 થઈ છે. એટલે કે માત્ર એક વર્ષમાં જ 1,24,507 વિદ્યાર્થિનીઓનો વધારો નોંધાયો છે, જે લગભગ 73 ટકાના વૃદ્ધિદરને દર્શાવે છે.
માત્ર 80 ટકા હાજરી જ નહીં, પરંતુ 100 ટકા હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગત એક વર્ષ દરમિયાન સંપૂર્ણ હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 62,059નો વધારો નોંધાયો હોવાનું સરકારી આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. શિક્ષણવિદોના મતે આ વધારો દર્શાવે છે કે આર્થિક સહાય અને પ્રોત્સાહન મળવાથી દીકરીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા અને નિયમિતતા આવી રહી છે.
પ્રવેશમાં પણ વધારો, ધોરણ-12માં સૌથી વધુ અસર
નમો લક્ષ્મી યોજનાની અસર માત્ર હાજરી સુધી મર્યાદિત નથી રહી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
વર્ષ 2024-25માં રાજ્યમાં 13,29,762 વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 13,91,308 થઈ છે. આ લગભગ 4.63 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ખાસ કરીને ધોરણ-12માં સૌથી વધુ 13.59 ટકાનો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે વધુ દીકરીઓ હવે ઉચ્ચતર અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રેરિત થઈ રહી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ₹1664.06 કરોડની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.
વિજ્ઞાન પ્રવાહમાં પણ વધ્યો વિદ્યાર્થીઓનો રસ
રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વધુ વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે શરૂ કરાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પણ નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રના આંકડા અનુસાર, વિજ્ઞાન પ્રવાહના વર્ગોમાં 80થી 100 ટકા હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024-25માં 19,324 હતી. એક વર્ષ બાદ આ સંખ્યા વધીને 43,533 થઈ છે. એટલે કે માત્ર એક વર્ષમાં જ 24,209 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે, જે લગભગ 125 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને પ્રતિબદ્ધતા સતત વધી રહી છે.
વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશમાં 6.34 ટકાનો વધારો
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2024-25 દરમિયાન 2,40,556 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો હતો, જ્યારે વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 2,55,804 થઈ છે.
આ અંદાજે 6.34 ટકાનો વધારો દર્શાવે છે. ખાસ કરીને ધોરણ-12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 11.04 ટકાનો વધારો નોંધાયો છે. આ બાબત રાજ્યના યુવાધનમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રત્યે વધી રહેલા ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને કુલ ₹290 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.
આ પણ વાંચો: મોરબીના જેતપરમાં લોકડાયરામાં ગુંજ્યો ખેડૂતોનો મુદ્દો : હકાભા ગઢવીએ વળતર અને હક્ક માટે ઉઠાવ્યો અવાજ
શિક્ષણને મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ
ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મુશ્કેલીઓને કારણે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીનું શિક્ષણ અધૂરું ન રહે અને તેઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
નમો લક્ષ્મી યોજના દીકરીઓને શિક્ષણમાં આગળ વધારવા અને શાળાછૂટા દર ઘટાડવામાં મદદરૂપ બની રહી છે, જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રાજ્યના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
તાજેતરના આંકડા સ્પષ્ટ કરે છે કે રાજ્ય સરકારની આ બંને યોજનાઓ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, નિયમિત હાજરી અને ઉચ્ચતર અભ્યાસ તરફ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.





