Home Gujarat Ahmedabad Ahmedabad Rural Lcb Raid Sanathal Gambling Den 15 Lakh Seized

અમદાવાદનાં સનાથલમાં ચાલતા જુગારધામ પર અમદાવાદ ગ્રામ્ય LCBની રેડ : ₹15.75 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા, 8 વોન્ટેડ

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 22, 2026, 12:16 PM IST

અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સનાથલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે આઠ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹15.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સનાથલ ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી અને સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે ઘેરાબંધી કરી રંગેહાથ ઝડપી પાડ્યા

પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને ચારેબાજુથી ઘેરાબંધી કરી હતી. અચાનક પડેલા દરોડાને કારણે જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે પાંચ આરોપીઓને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં કૌશીક ચંદુભાઈ પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, ચીંતન હસમુખભાઈ પટેલ, વિક્રમભાઈ ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ શખ્સો પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા તેમજ અન્ય લોકોને પણ જુગાર રમાડવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : IAS અલોક પાંડે પાસેથી ત્રણ વધારાના ચાર્જ પરત લેવાયા, જાણો કોને સોંપાયો ચાર્જ

રોકડ, મોબાઇલ અને વાહનો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી રોકડ રકમ રૂ. 1.75 લાખ જપ્ત કરી હતી. ઉપરાંત રૂ. 50 હજારની કિંમતના છ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.

આ સિવાય ઘટનાસ્થળે ઉભેલા આઠ વાહનો પણ પોલીસના હાથે લાગ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 13.50 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ રોકડ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 15.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ વાહનોના માલિકો, તેમના ઉપયોગ અને જુગારધામ સાથેના સંબંધ અંગે પણ તપાસ કરી રહી છે. અધિકારીઓના મતે, આ સમગ્ર પ્રવૃત્તિ પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો: મહેસાણાનાં કડીમાં ભેંસ ચોરી અને કતલકાંડનો પર્દાફાશ : ફોર્ચ્યુનર ગાડી સાથે એક આરોપી ઝડપાયો, 3 ફરાર

8 આરોપીઓ નાસી છૂટ્યા

પોલીસના દરોડા દરમિયાન કેટલાક આરોપીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા ફરાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં મહાવીરસિંહ ઉર્ફે માવુ ચૌહાણ, ગોવિંદસિંહ પરમાર, જગદીશસિંહ ચૌહાણ, રોહિત પટેલ, નરેન્દ્રભાઈ ઉર્ફે ટીનાભાઈ ઠાકોર, અશ્વિનભાઈ પરમાર, નીતેષભાઈ ઉર્ફે લાલાભાઈ પ્રજાપતિ અને રસીકભાઈ ઉર્ફે કાળુભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: મોરબીના જેતપરમાં લોકડાયરામાં ગુંજ્યો ખેડૂતોનો મુદ્દો : હકાભા ગઢવીએ વળતર અને હક્ક માટે ઉઠાવ્યો અવાજ

LCBની સતર્કતાથી ઉકેલાઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ

અમદાવાદ ગ્રામ્ય LCB છેલ્લા કેટલાક સમયથી જુગાર, દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. સનાથલમાં થયેલી આ કાર્યવાહી પણ પોલીસની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે સફળ બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

સ્થાનિક લોકોમાં પણ આ કાર્યવાહી અંગે સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી. પોલીસનું કહેવું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now