Mamta Soni: ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોનીએ કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મોટી મૂંડેલ ગ્રામપંચાયતના સરપંચ દીપક ડાભી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપોનો વીડિયો વાયરલ કરી સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલામાં અભિનેત્રીએ મહેનતાણું ન ચૂકવવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
મમતા સોનીએ વાયરલ વીડિયોમાં માહિતી આપતા જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં દીપક ડાભી દ્વારા તેમના ત્રણ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થયા હોવા છતાં, નક્કી કરવામાં આવેલ મહેનતાણું આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. અભિનેત્રીનો આરોપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાની બાકી રકમ મેળવવા માટે સતત સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેમને માત્ર વાયદાઓ જ મળી રહ્યા છે. વાત ત્યારે વણસી જ્યારે પૈસાની માંગણી કરવા પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ કલા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ભાજપ નેતાનો પક્ષ: આક્ષેપો પાયાવિહોણા
બીજી તરફ, આક્ષેપોનો સામનો કરી રહેલા દીપક ડાભીએ આ તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મમતા સોની દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. દીપક ડાભીએ દાવો કર્યો કે તેઓ અભિનેત્રીને ઘણા વર્ષોથી જાણે છે અને અગાઉ પણ તેમની સાથે અનેક સફળ કાર્યક્રમો કર્યા છે, જેમાં ક્યારેય કોઈ વિવાદ થયો નથી. તેમણે કહ્યું કે, કોઈપણ કાર્યક્રમનું પેમેન્ટ બાકી નથી અને તેમની પાસે તમામ ચૂકવણીના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે.
રાજકીય ષડયંત્રનો આરોપ
દીપક ડાભીએ આ મામલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ ભાજપમાં સક્રિય રહીને સતત જનસેવાના કાર્યો કરી રહ્યા છે. તેમની વધતી જતી લોકપ્રિયતા જોઈને કેટલાક રાજકીય વિરોધીઓ અસ્વસ્થ છે. પોતાની રાજકીય છબી ખરડવા અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાના હેતુથી જ વિરોધીઓ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. હાલમાં આ મામલે બંને પક્ષો પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે. આક્ષેપોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ આ વિવાદ હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્ય તપાસ બાદ જ બહાર આવશે.






