Home Gujarat Fake Doctor Caught In Gajrawadi Area Of Vadodara Was Running A Hospital Without A Degre

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! : વડોદરામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોક્ટર પોલીસ ઝડપાયો, SOGના દરોડા

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:54 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરતી પોલીસે ગાજરાવાડી વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક ઝોલાછાપ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી અસલી તબીબના ક્લિનિકની જેમ દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતો હતો. એસઓજી ટીમે બાતમીના આધારે દરોડા પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાજરાવાડી વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા આપવામાં આવતી હોવાની માહિતી એસઓજીને મળી હતી. આ બાતમીને આધારે ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાં દવાખાનું સંપૂર્ણ રીતે સજ્જ હાલતમાં જોવા મળ્યું હતું. ક્લિનિકમાં તપાસ કરતાં અનેક પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી આવતા પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

દરોડા દરમિયાન ક્લિનિકમાં બેઠેલા ધવલ કવાડ નામના વ્યક્તિ પાસે પોલીસ દ્વારા તબીબી ડિગ્રી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ગોળમટોળ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. કડક પૂછપરછ દરમિયાન તેણે કોઈ માન્ય ડિગ્રી વગર દવા આપતો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી કફ સીરપ, ઇન્જેક્શન, એન્ટિબાયોટિક દવાઓ, એલોપેથીક દવાઓ, પેઇનકિલર તથા પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતા અન્ય તબીબી સાધનો જપ્ત કર્યા છે. દવાખાનામાંથી મળેલી દવાઓ અને સાધનો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી ધવલ કવાડ મૂળ મહુઆનો રહેવાસી હોવાનું અને હાલ વડોદરા શહેરના રાવપુર વિસ્તારમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે કેટલા સમયથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો અને કેટલા લોકોને સારવાર આપી હતી તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ ચાલુ રાખવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now