Ahmedabad Crime News : અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. અહીં લોખંડના વેપારી સાથે અજાણ્યા બાઈકચાલકોએ ચાલાકીથી 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. વેપારીએ આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
18 લાખ રૂપિયાની લૂંટ
માહિતી મુજબ સાબરમતીમાં રહેતા નારાયણદાસ બિના, લોખંડના ખરીદ-વેચાણનો ધંધો કરે છે. 12 નવેમ્બરના રોજ તેઓ પોતાના જ્યુપિટર ટુ-વ્હીલર પર દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન તેમને એક વેપારીને 18 લાખ રૂપિયા આપવાના હતા, જેથી તેઓ નવરંગપુરા સ્થિત ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢી પર પહોંચ્યા હતા. અહીંથી તેમના વેપારના કુલ 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. તેમણે તે પૈસામાંથી 18 લાખ રૂપિયા પોતાના જ્યુપિટરની ડેકીમાં રાખ્યા અને બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પરની બેગમાં મૂક્યા હતા.
“કાકા, ગાડી બરાબર ચલાવો, જેમ તેમ ન ચલાવો”
પૈસા લઈને નારાયણદાસ બિના રખિયાલ ખાતેના કામ માટે નીકળ્યા હતા. સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ સરસપુર વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ નજીક પહોંચ્યા ત્યારે, એક અજાણ્યા બાઈક ચાલકે તેમની આગળ બાઈક લાવી રોકી દીધા અને કહ્યું કે “કાકા, ગાડી બરાબર ચલાવો, જેમ તેમ ન ચલાવો” આ વાતને લઈને બંને વચ્ચે રકઝક થઈ અને દરમિયાન બાઈકચાલકે નારાયણદાસની જ્યુપિટરની ચાવી કાઢી થોડા આગળ જઈ રોડ પર ફેંકી દીધી. નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યાં જ, બીજા બે અજાણ્યા વ્યક્તિઓ જે અલગ વાહન પર આવ્યા હતા. તેમણે તેમની જ્યુપિટરની ડેકી ખોલીને તેમાં રાખેલા 18 લાખ ભરેલા થેલો ઉઠાવી લીધા અને ફરાર થઈ ગયા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી
ઘટના બનતા જ નારાયણદાસે તરત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટના મામલાને ધ્યાને લઈને ઝોન-3 ડીસીપી, એસીપી અને પી.આઈ. સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયો. પોલીસએ રાત્રે મોડા સુધી ઘટના સ્થળની તપાસ કરી અને બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી રહી છે અને લૂંટારુઓની ઓળખ તથા તેમની ગતિશીલતા વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.




















