Surat Suspicious Bag : દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન રાંદેર મેન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક એક આવરું બેગ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ હાથધરી
બેગ દેખાતા જ સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે રાંદેર પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ હતી. બેગને લઈને શહેરમાં શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ, જેના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. સુરક્ષા દૃષ્ટિએ પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બેગમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી
બોમ્બ સ્ક્વોડની ટીમે બેગને કાળજીપૂર્વક તપાસી કબજે કરી અને વધુ તપાસ માટે તેને સુરક્ષિત સ્થળે ખસેડી. શરૂઆતની માહિતી અનુસાર બેગમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, પરંતુ ચુસ્ત સુરક્ષાની દૃષ્ટિએ તપાસ ચાલુ છે. દિલ્હી બ્લાસ્ટ પછી રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે, અને જાહેર સ્થળો, મંદિર તથા પરિવહન કેન્દ્રો પર સઘન ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.




















