Surendranagar News: જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા લેભાગુ તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે દરોડો પાડી એક નકલી MBBS ડોક્ટરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભાડાના મકાનમાં ચલાવતો હતો 'મોતની ફેક્ટરી'
મળતી માહિતી મુજબ, હરેશ પોપટભાઈ ઠાકોર નામનો શખ્સ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે એક ભાડાનું મકાન રાખીને છેલ્લા 9 મહિનાથી ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવતો હતો. તેની પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેનું કોઈ માન્ય ડિગ્રી સર્ટિફિકેટ નહોતું, તેમ છતાં તે પોતાની જાતને MBBS ડોક્ટર ગણાવીને ભોળા ગ્રામજનોને એલોપેથિક દવાઓ આપી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે આ સ્થળ પર ઓચિંતો દરોડો પાડી હરેશ ઠાકોરને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ત્યાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૧૮,૩૮૧ની કિંમતની દવાઓ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે
અન્ય ગામોમાં પણ નકલી ડોક્ટરોનો રાફડો
વિરેન્દ્રગઢમાં તો આ શખ્સ ઝડપાઈ ગયો, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમાં હજુ પણ આવા નકલી ડોક્ટરો સક્રિય છે. ખાસ કરીને કંકાવટી, જેસડા અને ભરાડા આ અને આસપાસના વિસ્તારોમાં ડિગ્રી વગરના અનેક 'ઝોલાછાપ' ડોક્ટરો હાટડીઓ ખોલીને બેઠા છે. ગ્રામીણ વિસ્તારના લોકો સસ્તી સારવારની લાલચમાં આવા નકલી ડોક્ટરો પાસે જઈ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
શું એસ.ઓ.જી. પોલીસ વધુ કાર્યવાહી કરશે?
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે એક નકલી ડોક્ટરને પકડીને સરાહનીય કામગીરી કરી છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અન્ય ગામોમાં ધમધમતી આ ગેરકાયદે હોસ્પિટલો અને નકલી ડોક્ટરો પર પોલીસ ક્યારે ત્રાટકે છે. શું તંત્ર આ બાબતે કડક ઝુંબેશ ચલાવીને નિર્દોષ લોકોના જીવ બચાવશે? તે એક મોટો પ્રશ્ન છે.





