Bharuch Boiler Blast : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલ સાઇખા GIDCમાં મોડી રાત્રે બનેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચકાવી દીધો છે. વિશાલ ફાર્મા કંપનીમાં મધરાતે લગભગ 2.30 વાગ્યાના સમયે બોઇલર બ્લાસ્ટ થતાં ત્રણ કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 24 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો
બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેની ધડાકાની તીવ્રતા દૂર સુધી સંભળાઈ અને આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. વિશાલ ફાર્મા કંપનીની આજુબાજુ આવેલી અનેક યુનિટ્સને પણ નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને અન્ય કંપનીઓના કર્મચારીઓએ આગ લાગ્યા બાદ તરત જ બચાવકાર્યમાં મદદ કરી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ રાત્રિના અંધારામાં બચાવકાર્યમાં મુશ્કેલીઓ પણ આવી હતી.
ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળે
પ્રશાસન અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. હાલ સાઇટને સીલ કરવામાં આવી છે અને GIDC વિસ્તારમાં સલામતીના ધોરણો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં બનેલી આ ઘટના પછી ઉદ્યોગજગતમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક તંત્ર દ્વારા દુર્ઘટનાના કારણો શોધવા માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.




















