ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિઓને ઇરાકમાં બંધક બનાવવાના માનવ તસ્કરી અને ખંડણીના ગંભીર કેસમાં પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે દિલ્હીથી એક મુખ્ય એજન્ટ જરીક અહેમદખાન સફીક અહેમદખાન (રહે. ઉત્તરાખંડ)ને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ ઝડપી લીધો છે.
35 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિનો નક્કી કર્યા હતા
થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં ચારેય લોકો સાથે ઓસ્ટ્રેલિયામાં નોકરી અપાવવાના બહાને 35 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિનો કરાર કરવામાં આવ્યો હતો. જરીક ખાનએ ચારેયને ફ્લાઇટની ટિકિટ, હોટલ બુકિંગ અને વિઝા વ્યવસ્થા કરવાનો ભરોસો આપ્યો હતો. 16 ઑક્ટોબરે જરીકે અમદાવાદથી બેંગકોક સુધીની એર એશિયા ફ્લાઇટની ટિકિટ મોકલી આપી, જ્યારે 19 ઑક્ટોબરે ચારેય જણા બેંગકોકથી વાયા દુબઈ થઈ એમને ઇરાક લઈ જઈ માનવ તસ્કરો દ્વારા બંધક બનાવાયા.
દિલ્હીમાં પાસપોર્ટ-વીજા એજન્સી ચલાવતો હતો
બંધક બનાવ્યા બાદ ગેંગે પરિવારજનો પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માંગી અને ત્રાસ આપ્યા બાદ રકમ ચૂકવતા ચારેય લોકોને તહેરાન એરપોર્ટ પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ SOGના પીઆઇ વી ડી વાળાની આગેવાનીમાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી. SOGની ટીમે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાત બહારના અનેક સ્થળોએ તપાસ હાથ ધરી અને અંતે દિલ્હીમાં પાસપોર્ટ-વીજા એજન્સી ચલાવતા જરીક અહેમદખાનને દબોચ્યા હતો.
જરીકના 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
જરીકને કોર્ટમાં રજૂ કરતાં 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે. પીઆઇ વી ડી વાળાએ જણાવ્યું કે, “આરોપી પાસેથી વધુ લોકો સાથેના માનવ તસ્કરીના તાર શોધવા માટે પૂછપરછ ચાલુ છે” પોલીસ હવે આ રેકેટના અન્ય સભ્યો અને આંતરરાષ્ટ્રીય કડી સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. આ કેસે ફરી એકવાર ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાવવાના નેટવર્ક અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.




















