ગુજરાતમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે રાજ્યના 249 તાલુકાઓમાં ખેતી પાકને નુકસાન થયું છે. ત્યારે સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. તો બીજી તરફ આવા સંજોગોમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક લિ.એ ખેડૂતોને આર્થિક રાહત મળે તે માટે એક ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે.
0% વ્યાજ દરે 1 વર્ષની મુદત લોન આપવામાં આવશે!
બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે 2,25,000 ખેડૂત સભાસદોને રૂ.1300 કરોડની લોન જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના મુજબ ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.12,500 ના દરે અને વધુમાં વધુ રૂ. 65,000 સુધીની લોન આપવામાં આવશે. સૌથી વિશેષ બાબત એ છે કે આ લોન 0% વ્યાજ દરે 1 વર્ષની મુદત માટે આપવામાં આવશે, એટલે કે ખેડૂતોને કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે.
ખેડૂતોને મળશે મોટી રાહત
જયેશ રાદડિયાએ જણાવ્યું કે, બેંક ખેડૂતોના હિતમાં આ નિર્ણય લઈ રહી છે અને બેંકને થનાર આશરે રૂ. 100 કરોડનો ખર્ચ બેંક પોતે જ ઉઠાવશે, જેથી ખેડૂતોને સંપૂર્ણ રાહત મળેશે. આ યોજના હેઠળ લોન સ્થાનિક કૃષિ સહકારી મંડળી મારફતે મળશે અને ખેડૂતોને તાત્કાલિક મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોમાં આશાનો કિરણ દેખાયો છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકનું આ પગલું ખેડૂત હિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ ગણાઈ રહી છે.




















