Junagadh Kashmiri Person : જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને ઉના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરથી આવેલા પાંચ શખ્સોને શંકાસ્પદ હરકતના આધારે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. પોલીસ સૂત્રો મુજબ આ વ્યક્તિઓ વિસ્તારની કેટલીક મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હોવાની માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
3 શંકમદની મસ્જિદમાંથી અટકાયત
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ શખ્સો છેલ્લા કેટલાક દિવસથી માંગરોળ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભટકતા હતા અને મદ્રેસા તેમજ મસ્જિદોમાં જઈ ફાળો માગતા હતા. પોલીસે માહિતી મેળવ્યા બાદ તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું અને ત્રણ કાશ્મીરી શખ્સોને એક મસ્જિદમાંથી પકડી પૂછપરછ માટે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લવાયા છે.
'ત્રણેય વ્યક્તિઓ પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી'
PSI જેબલિયાના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે માહિતી મળી આવી નથી. તેમણે જણાવ્યું કે આ લોકો ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી લાગતા પરંતુ વધુ તપાસ હાથ ધરાઈ છે.
જૂનાગઢ SOG ની બે અન્ય કાશ્મીરીની પૂછપરછ
બીજી તરફ, બે અન્ય કાશ્મીરી નાગરિકોને વધુ તપાસ માટે જૂનાગઢ SOG દ્વારા લવાયા છે, જેથી તેમના પૃષ્ઠભૂમિ વિશે વિગતવાર માહિતી મેળવી શકાય. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધીના પુરાવા મુજબ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવી નથી, છતાં સુરક્ષા દૃષ્ટિએ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાએ માંગરોળ અને ઉના વિસ્તારમાં થોડો ગભરાટ ફેલાવ્યો હતો, જોકે પોલીસના ત્વરિત હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના અંગે તરત પોલીસને જાણ કરવી.




















