Ahmedabad NSUI protest : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જને લઈને ઉગ્ર રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો. રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓએ આજે તીવ્ર આંદોલન કર્યું હતું.
NSUI કર્યા ગંભીર આક્ષેપ
NSUIના નેતાઓએ આ નિર્ણયને સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે, એવો ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ છે અને યુનિવર્સિટીના સંસાધનો ખાનગી સ્વાર્થ માટે વાપરવામાં આવી રહ્યા છે.
સિક્યુરિટી કેબિન પર ચડીને નારાબાજી કરી
કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ન હોવાથી NSUI ના કાર્યકર્તાઓ તેમના નિવાસસ્થાન પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે સિક્યુરિટી કેબિન અને ગેટ પર ચડીને કુલપતિના રાજીનામાની માગ સાથે નારાબાજી કરી હતી.
સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને પદ પરથી હટાવવા માંગ કરી
NSUIના કાર્યકર્તાઓએ જણાવ્યું કે જો કુલપતિ આ મુદ્દે માત્ર આરામ કરશે અને કોઈ કાર્યવાહી નહીં કરે, તો NSUI આંદોલન વધુ ઉગ્ર બનાવશે. સાથે જ તેમણે સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને પદ પરથી હટાવવા અને રાજીનામું લેવાની માગ પણ ઉઠાવી છે.
NSUI કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી
ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને ટીંગાટોળી કરીને NSUIના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ કેમ્પસ રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે અને રાઇફલ શૂટિંગ એકેડમીના વિવાદને લઈને યુનિવર્સિટીમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે.




















