દિલ્હી બ્લાસ્ટના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્ત થઈ ગઈ છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ઠેરઠેર નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ભુજ શહેરની જનતાઘર હોટલમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલની રજીસ્ટરમાં જમ્મુ-કાશ્મીરના એક વ્યક્તિની નોંધ મળી આવતા શંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હોટલના સંચાલક સામે ગુનો દાખલ
SOG ની ટીમે હોટલના રૂમમાં તપાસ કરતા એક મહિલા સહીત ત્રણ કાશ્મીરી લોકો રોકાયેલા હોવાનું બહાર આવ્યું. તપાસ બાદ હોટલના સંચાલક પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રૂમમાં રોકાયેલા ત્રણે વ્યક્તિઓની વિસ્તૃત પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ત્રણેયની સઘન તપાસ
ત્રણેના મોબાઇલ ફોન જપ્ત કરીને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ કનેક્શન કે સંચાર થયો છે કે નહીં તે ચકાસી શકાય. SOGએ આ મામલે જમ્મુ-કાશ્મીર પોલીસને પણ જાણ કરી છે અને ત્રણેના રેકોર્ડ તથા પૃષ્ઠભૂમિ અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ત્રણે લોકો કચ્છ વિસ્તારમાં ચંદો એકત્ર કરવા માટે આવ્યા હતા. જોકે, તેમની હલચલ અને રોકાણ અંગે સંતોષકારક પુરાવા ન મળતાં તપાસ ચાલુ રાખવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ
હોટલ જનતા ઘરના સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલ SOG દ્વારા સમગ્ર ઘટનાની ઉંડી તપાસ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સરહદી વિસ્તારના દરેક સંવેદનશીલ સ્થળે ચુસ્ત નજર રાખી રહી છે.




















