Jamnagar JCC Heart Institute : જામનગરમાં આવેલું JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં ભારે વિવાદમાં આવ્યું છે. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - મા (PMJAY-મા)” હેઠળ મોટી ગેરરીતિઓ આચરવામાં આવી છે. તપાસ મુજબ, કુલ 262 કાર્ડિયાક પ્રોસીજર કેસોની સમીક્ષા કરવામાં આવી, જેમાંથી 53 કેસોમાં દર્દીઓને કોઈ જરૂર ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હતી. આ ઉપરાંત 105 કેસોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ પણ નોંધાઈ છે.
આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
આ મામલામાં સૌથી ગંભીર બાબત એ હતી કે, કેટલાક કેસોમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં જાણબૂઝીને છેડછાડ કરવામાં આવી હતી, જેથી લાભાર્થીઓને ખોટી રીતે કાર્ડિયાક પ્રોસીજરની જરૂર હોવાનું બતાવી શકાય. આરોગ્ય વિભાગની તપાસ બાદ જાણવા મળ્યું કે હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હતું અને યોજનાના નિયમોનો ભંગ થયો હતો. આ ગંભીર બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક પગલા લીધા છે. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર રૂ. 6 લાખથી વધુનો દંડ ફટકારાયો છે અને સંકળાયેલા ડોક્ટર ડો. પાર્શ્વ વ્હોરા (રજી. નં. G-28538) ને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરી ક્ષેત્રે ક્ષતિ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું કહ્યું?
આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ નિવેદન આપ્યું કે “PMJAY-મા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે” તેમણે જણાવ્યું કે, આવી પ્રકારની ખોટી પ્રવૃત્તિ આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસને ખોરવી શકે છે અને રાજ્ય સરકાર આવનારા સમયમાં આવી ગેરરીતિઓ સામે વધુ સખત પગલાં લેશે. આ કેસ જામનગર સહિત સમગ્ર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ચેતવણીરૂપ બન્યો છે કે આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને ઈમાનદારી જાળવવી કેટલી આવશ્યક છે.




















