ગાંધીનગરમાં બુધવારની વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે અચાનક દરોડા પાડતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના નિવાસસ્થાન અને ઓફિસ સહિત ત્રણ સ્થળોએ આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
IT વિભાગનું મેઘા સર્ચ
સંજય ગજેરાનું નિવાસ સેક્ટર-26 કિસાનનગર વિસ્તારમાં આવેલું છે, જ્યાં વહેલી સવારે ઇન્કમ ટેક્સની પાંચ ગાડીઓ સાથેની ટીમ પહોંચી હતી. ટીમે ઘર પર પ્રવેશ મેળવી દસ્તાવેજો અને નાણાકીય વિગતોની તપાસ શરૂ કરી હતી. આ સાથે જ સેક્ટર-11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી તેમની ઓફિસ અને ગ્રીન સિટીમાં તેમના ડ્રાઈવરના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા.
બે-ચાર લોકોને પંચ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા
IT ના અધિકારીઓએ હાલ સુધી સ્થાવર અને જંગમ મિલકત સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી શરૂ કરી છે. તપાસ પ્રક્રિયામાં પાડોશીઓમાંથી બે-ચાર લોકોને પંચ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સવારથી જ સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. હાલ સુધી અધિકૃત રીતે કોઈ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ આ દરોડા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.




















