Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ આવ્યું કે, લેબ બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની 12 ફૂટ હાઈટ રાખી છે તે ઓછી પડશે. બાદ હવે બેઝમેન્ટની હાઈટ 24 ફૂટ કરવા લાખોના ખર્ચે તોડફોડ કરવામાં આવી રહી છે. બેઝમેન્ટનો સ્લેબ જ તોડી નાખતા બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિસો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસમાં બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના પૈસાથી બનાવવામાં આવતી બિલ્ડિંગના આયોજનમાં બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અટલ કલામ પાસે 42 કરોડ 50 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક આપવામાં આવ્યું હતું.ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક જ્ઞાનનું પ્રતિક બનશે અને એસ્ટ્રો ફિઝિક્સ, મેડિકલ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં ભારતનું માર્ગદર્શક કેન્દ્ર બનશે તેવો દાવો ઉદ્ઘાટન સમયે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો.
42 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં તમામ ખર્ચ પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના અણધડ આયોજન અને સત્તાધીશોની ઉદાસીનતાના કારણે ગંભીર છબરડો સામે આવ્યો છે.ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, તે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર લેબ બનાવવા માટે 24 ફૂટ હાઈટની જરૂર પડશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 12 ફૂટની હાઈટ રાખવામાં આવી હતી. જે બાદ એક તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પરીક્ષા ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર જોખમી રીતે તોડફોડ શરૂ કરાઈ.
ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રુવ કમલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું અને બારીઓના કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કામ ચાલે છે ત્યાં લાખોના ખર્ચે લાવેલા સોફા પણ હટાવવામાં આવ્યા નથી. જેથી સોફા પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા.ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટની ઊંચાઈ કરવા માટે પાયામાં મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા બિલ્ડિંગની ગુણવત્તાને અસર થઈ શકે છે તેવો આક્ષેપ કર્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ધ્રુવ કમલમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે રીતે મસમોટો ખાડો કરવામાં આવ્યો છે તેના કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે.NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 20 ટકા કમિશન કુલપતિ અને રજીસ્ટ્રારને મળી જાય છે, જેથી વિદ્યાર્થીઓના પૈસાની દિવાળી થઈ રહી છે.





