અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શખસે રિક્ષાચાલકની રિક્ષાને આગ લગાવી દીધી હોવાના મામલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બન્યો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીની સાળીને મિલન કહાર નામનો શખસ વારંવાર પરેશાન કરતો હતો. આ અંગે જાણ થતાં પ્રદીપ ચૌધરીએ મિલન કહારને સમજાવ્યું હતું કે તે તેની સાળીને હેરાન ન કરે અને પીછો કરવાનું બંધ કરે. જોકે, આ વાતથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બદલો લેવા માટે તકો શોધી રહ્યો હતો.
આ દરમ્યાન, રાત્રિના સમયે આરોપી પ્રદીપ ચૌધરીની રિક્ષા પાસે પહોંચ્યો હતો અને જ્વલનશીલ પદાર્થ છાંટી તેને આગ લગાવી દીધી હતી. થોડા જ સમયમાં આગ એટલી ફેલાઈ ગઈ કે રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ રિક્ષા જ પ્રદીપ ચૌધરી માટે રોજગારનું મુખ્ય સાધન હતી.
ઘટનાના CCTV ફૂટેજમાં આરોપી રિક્ષા પાસે આવી આગ લગાવતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થતો સ્પષ્ટ જોવા મળે છે. આ ફૂટેજ પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવો બની રહ્યો છે.
આ પણ વાંચો: બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક : ગાડીઓ અને ઓફિસમાં કરી તોડફોડ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ
આ ઘટનાને પગલે પીડિત રિક્ષાચાલકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.





