Rajkot News: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં PSI પોતે અને તેમની સાથે હાજર એક પરિણીત મહિલા મિત્ર ઈજાગ્રસ્ત થયા છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટી રોડ પર ઉમા પાર્ક શેરી નં-3માં આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-404માં PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી ભાડેથી રહે છે. સોમવારે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ તેમના ફ્લેટમાં ફાયરિંગ થયું હતું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી PSIના હાથમાં વાગ્યા બાદ સાથે રહેલી પૂજા નામની મહિલાના પડખામાં ધસી ગઈ હતી. ઘટના બાદ તુરંત જ બંનેને સારવાર અર્થે રાજકોટની ખાનગી ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે PSI પંડ્યાના હાથમાં ફ્રેક્ચર થયું છે.
ગંભીર સવાલો અને પોલીસની તપાસ
આ મામલે એસીપી ભાવેશ જાદવના જણાવ્યા અનુસાર, PSI પંડ્યા 2022-23 બેચના ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર છે. તેઓ છેલ્લા 15 દિવસથી જ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક મિસફાયર થયું હતું. જોકે, આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જેમાં જો PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તો હથિયાર લોડ કેમ હતું? તાલીમબદ્ધ અધિકારી હોવા છતાં સર્વિસિંગ વખતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ? મધરાત્રે મહિલા મિત્રની હાજરી અને ત્યારબાદ ફ્લેટને તાળું મારી દેવાની ઘટના પાછળનું રહસ્ય શું?
ખાતાકીય તપાસના આદેશ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હથિયાર સાફ કરવાની ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે, જેમાં હથિયાર ખાલી હોવું અનિવાર્ય છે. આ કિસ્સામાં પ્રથમ દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જ જણાય છે. એસીપીએ વધુમાં ઉમેર્યું કે જો તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સક્ષમ અધિકારી દ્વારા તેમની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી (ખાતાકીય તપાસ) પણ શરૂ કરવામાં આવશે. હાલમાં યુનિવર્સિટી રોડ પોલીસ આ મામલે એફએસએલ (FSL)ની મદદ લઈને વધુ તપાસ ચલાવી રહી છે કે આ ખરેખર અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ.





