Ahmedabad Football Tournament : ગુજરાતની રમતગમત રાજધાની કહેવાતું અમદાવાદ હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઉત્સવનું યજમાન બનવા જઈ રહ્યું છે. AFC (એશિયન ફૂટબોલ કન્ફેડરેશન) અન્ડર 17 એશિયન કપ 2026 ક્વોલિફાયર્સ ટુર્નામેન્ટ પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ 22 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. ટુર્નામેન્ટનું આયોજન કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા એકા એરિના ક્લબ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ઉચ્ચ સ્તરની સુવિધાઓ સાથે ખેલાડીઓ માટે પ્રેક્ટિસ અને મેચની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પાંચેય ટીમો વચ્ચે સ્પર્ધા
આ ટુર્નામેન્ટમાં કુલ 5 ટીમો ભાગ લઈ રહી છે. ભારત, લેબેનન, ઈરાન, પેલેસ્ટાઈન અને ચાઇના. આ પાંચેય ટીમો વચ્ચેની સ્પર્ધા દ્વારા એશિયન કપ 2026 માટે ક્વોલિફિકેશન નક્કી થશે. ભારતની અન્ડર 17 ટીમ 1 નવેમ્બરથી અમદાવાદમાં પ્રેક્ટિસ શરૂ કરી ચૂકી છે, જેથી ખેલાડીઓ મેદાનની પરિસ્થિતિ અને વાતાવરણને અનુરૂપ થઈ શકે. બાકીની તમામ ટીમો 20 નવેમ્બર સુધી અમદાવાદ પહોંચી જશે, ત્યારબાદ તેમની અધિકૃત ટ્રેનિંગ સેશન યોજાશે.
ફૂટબોલ પ્રેમીઓમાં ઉત્સાહ
ગુજરાતમાં ફૂટબોલ પ્રેમીઓ માટે આ એક વિશેષ તક છે, કારણ કે પહેલીવાર શહેરમાં અંતરરાષ્ટ્રીય ફૂટબોલની ધમાકેદાર સ્પર્ધા થવા જઈ રહી છે. સ્થાનિક ખેલાડીઓ અને યુવા ફૂટબોલ ચાહકો માટે આ ઇવેન્ટ પ્રેરણાસ્રોત બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.




















