ગુજરાતમાં શિયાળાની સીઝન હવે ધીમે ધીમે જામી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુરુવારે અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયો
આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, નલિયામાં 14.5 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જે દર્શાવે છે કે શિયાળાનો મિજાજ જામ્યો છે.
આગામી દિવસોમાં ઠંડીનો પ્રભાવ રહેશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો પ્રભાવ વધતો રહેશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને ક્યાંક વાદળછાયું રહેશે. હવામાન કે વરસાદની શક્યતા નથી. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 15°C અને મહત્તમ તાપમાન આશરે 22°C રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન સુકું રહેશે અને રાત્રીના સમયે ઠંડી વધુ અનુભવાશે. લોકોમાં હવે શિયાળાના કપડાંનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, જ્યારે વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીના ઝોકા અનુભવાઈ રહ્યા છે.




















