Ahmedabad DGGI Raid : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વોટર પ્યોરીફાયર બનાવતી મોટી કંપનીઓ પર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસેસ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
બિલ વિના જ માલસામાનનું વેચાણ
મળતી માહિતી મુજબ પાસ્વ વોટર સોલ્યુશન, નવકાર વોટર સોલ્યુશન અને એક્સલ વોટર ટેકનોલોજી જેવી ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓમાં કરચોરી અને બિલ વિના વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપનીઓ બિલ વિના જ માલસામાનનું વેચાણ કરતી હતી, જેના કારણે સરકારને મોટું આર્થિક નુકસાન થયું હતું.
દસ્તાવેજો કબજે કર્યા
DGGIની ટીમે કંપનીઓના ઓફિસ, ગોડાઉન અને અન્ય સંબંધિત સ્થળો પરથી ડિજિટલ તથા દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે. તપાસમાં અત્યાર સુધીમાં રૂ.15 કરોડથી વધુની કરચોરીનો ભંડાફોડ થયો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર ત્રણેય કંપનીઓમાં ઉંડી તપાસ ચાલુ છે, અને વધુ નાણાકીય ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. DGGI અધિકારીઓ દ્વારા આ કંપનીઓના માલિકો અને એકાઉન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.




















