Nitin Patel statement : કડી શહેરના ભાઉપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજી મંદિર ખાતે વોર્ડ 6, 7 અને 9ના ભાજપ કાર્યકરો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન તેમણે કડીના વિકાસ, રાજકારણ અને હાલની પરિસ્થિતિ અંગે તીખી ટિપ્પણીઓ કરી હતી.
“હું જ્યાં બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થાય''
નીતિન પટેલે કહ્યું કે, “ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. કડીને હું 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે એ બધું મને ખબર છે. મને છેતરશો નહીં, ધારાસભ્યને છેતરજો.” તેમણે ઉમેર્યું કે “હું જ્યાં બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થાય, પરંતુ તાલુકા પંચાયતની કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો.” ભૂતકાળની યાદો તાજી કરતાં નીતિન પટેલે કહ્યું કે “1990 પછી ગુજરાતમાં ભાજપની સરકાર બની અને હું પ્રથમ વખત આરોગ્ય મંત્રી બન્યો. એ સમયથી કડીના વિકાસની ગાથા શરૂ થઈ. હું રાત્રે સ્કૂટર લઈને ફરતો હતો, ઓક્ટ્રોઈની ચોરી ન થાય એ માટે કર્મચારીઓને જગાડતો. વેપારીઓનો વિરોધ સહન કરીને પણ નીતિ-નિયમ મુજબ કામ કરાવ્યું.”
“હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી''
તેમણે જણાવ્યું કે “એ વખતે કસ્બા વિસ્તારમાં પાલિકાની ઓફિસ હતી, વારંવાર કોમી તોફાનો થતાં જોખમ રહેતું. તેથી ઓફિસને ખસેડીને થોળ રોડ ઉપર નવી ઓફિસ બનાવી. હવે નવા સભ્યો તો નસીબદાર છે. પ્રમુખની રૂમ, ચેરમેનની રૂમ અને ચીફ ઓફિસરની રૂમ બધું AC! અમે તો ક્યારેક પંખો પણ પરાણે ચલાવતા હતા.” રાજકારણની વાત કરતાં તેમણે કહ્યું, “હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી. ચંપાબા નામકરણ માટે મેં 11 લાખ રૂપિયા આપ્યા હતા. હોદાથી કંઈ નથી થતું, કરનાર વ્યક્તિની મહેનત, પ્રતિષ્ઠા અને આજુબાજુના લોકો પરથી પરિણામ નક્કી થાય છે. જો આસપાસ ખોટી ટોળકી હોય તો સારા માણસને પણ બદનામ કરી નાખે છે. ગુજરાતમાં બે-ત્રણ મંત્રીઓને રાજીનામું આપવું પડ્યું, કેમ કે એમના ટેકેદારોએ ખોટું કર્યું.”
“હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી''
નીતિન પટેલે હાસ્યાસ્પદ અંદાજમાં કહ્યું કે, “હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી. તમે મને ‘પૂર્વ’ બનાવી દીધો, તમે બધા પૂર્વ, પૂર્વ કરીને મને ઉત્તમમાંથી પૂર્વ કરી દીધો! ભાજપમાં તો સાત ગરણી ગળી ગયા પછી જ કંઈક મળે છે.” તેમણે અંતમાં કહ્યું કે, “હવે તો SIR આવ્યું છે એટલે થોડી કડકાઈ વધશે, પહેલા જેવી મજા નહીં રહે. હું બોલું છું તો કેટલાકને ગમતું નથી, મારી હાલત એવી છે કે મને બંને બાજુથી તકલીફ છે.”




















