વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક આવેલી જાણીતી ફલાહ હોટલમાં એક ગંભીર ઘટના બની છે. માહિતી મુજબ, એક ગ્રાહકે હોટલમાં ભોજન માટે પનીરનું શાક મંગાવ્યું હતું, પરંતુ ખાવાની વચ્ચે તેને શાકમાં કીડો નીકળતા ચોંકી જવું પડ્યું હતું.
વલસાડની હોટલના ભોજનમાંથી નીકળ્યો કીડો!
આ ઘટના સામે આવતા જ ગ્રાહકે તરત જ હોબાળો મચાવ્યો અને હોટલના સ્ટાફને આ મુદ્દે જવાબદારી લેવાની માંગણી કરી. સ્થળ પર હાજર અન્ય ગ્રાહકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. ખાવામાં કીડો નીકળતા ગ્રાહકે આ મુદ્દાની જાણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથધરી
માહિતી મળતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને હોટલમાંથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી. પ્રાથમિક તબક્કે અધિકારીઓએ હોટલમાં સ્વચ્છતા અને હાઇજિન સંબંધિત બાબતોની તપાસ હાથ ધરી છે. વિભાગીય સૂત્રો મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત હોટલ સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ વલસાડ વિસ્તારમાં લોકોમાં હોટલોમાં મળતા ખોરાકની ગુણવત્તા અંગે ફરી એકવાર ચિંતાનો માહોલ છવાયો છે.




















