logo-img
Bharat Parva Celebration In Gujarat Studio Kitchen Becomes A Special Attraction In Ekta Nagar

ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી : એકતા નગરમાં 'સ્ટુડિયો કિચન'બન્યું વિશેષ આકર્ષણ, સ્વાદ, સંસ્કૃતિ અને સંગમની પ્રસરી સુગંધ

ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી
Published by: Offbeat Team
| Last Updated: Nov 13, 2025, 09:47 AM IST

ભારત એ વિવિધ સંસ્કૃતિ, ધર્મો, પરંપરાઓ, વ્યંજનો અને માન્યતાઓની ઓળખ ધરાવતો વિશાળ દેશ છે. વિશ્વભરમાં ખાનપાનની વાતનો ડંકો વાગે ત્યારે ભારતનું નામ સૌ પ્રથમ હરોળમાં લેવાતું હોય છે. કારણ કે ભારતના દરેક રાજ્યની પરંપરાંગતથી લઇ સ્ટ્રીટફૂડના ભોજનની યાદી પોતપોતાની વિશેષતાઓ સાથે એક અલગ ઓળખ ધરાવે છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર યોજાયેલા ભારત પર્વ–૨૦૨૫ એ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને એક જ આંગણે એકત્ર કરી અદભૂત સંકલન સર્જ્યું છે. દેશના દરેક ખૂણેથી આવેલા કલાકારો, શિલ્પકારો, રસોઇયાઓ અને દર્શકો માટે આ પર્વ એક જીવંત ઉજવણી બની રહ્યો છે.

ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી

આ વર્ષે ભારત પર્વની ઉજવણી પહેલી વાર દિલ્હીના લાલ કિલ્લાની બહાર ગુજરાતની ધરતી પર, એકતા નગર ખાતે થઈ રહી છે. રાજપીપળાના વતની હર્નિષા હિમાશું રાવે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝનને લઈને ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી થવી એ ગૌરવની બાબત છે. અહીં દરેક પ્રાંતની વાનગીઓ, નૃત્યો, લોકકળા, હસ્તકલા અને શિલ્પકલા બધું એક જ સ્થળે જોવા-માણવા મળ્યું એ એક જીવંત ભારતની ઝલક છે.

ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ

ભારત પર્વમાં 'સ્ટુડિયો કિચન' વિશેષ આકર્ષણ બન્યું છે. અહીં દરરોજ દેશના વિવિધ પ્રાંતોના માસ્ટરચેફ્સ પોતાની પ્રાંતની ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ રજૂ કરે છે. ગુજરાતના ફાફડા-જલેબી, ઢોકળા અને હાંડવોના સુગંધ વચ્ચે દક્ષિણ ભારતના ઈડલી-દોસા, ઉત્તર ભારતના છોલે-ભટુરે અને કાશ્મીરના રોગનજોશ જેવી લાજવાબ વાનગીઓ સ્વાદપ્રેમીઓને આકર્ષે છે એમ હર્નિષા એ ઉમેર્યું હતું.

સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ

પર્યટક હર્નિષા કહે છે કે, અહીં દરેક વાનગી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. સાઉથ અને નોર્થના ફ્યુઝનથી બનેલી કેટલીક વાનગીઓ તો ખૂબ જ અનોખી લાગી. ખાણીપીણીમાં આ પ્રકારનો સંમન્વય આજે સ્વસ્થ ભારતની દિશામાં એક નવો પ્રયાસ લાગે છે. અહીં દરેક વાનગી પાછળ એક વાર્તા છે, પ્રદેશની ધરતીની સુગંધ, લોકોની સંસ્કૃતિ અને તેમની પરંપરાનો અહેસાસ કરાવે છે. લાઈવ કિચનમાં વાનગીઓ તૈયાર થતી જોવું એ પોતે જ એક કલાત્મક અનુભવ છે. એકતાનગર ખાતે ભારત પર્વમાં લોકકલા, નૃત્ય અને સંગીતના તાલથી ગુંજી ઉઠ્યો છે. રાજસ્થાનની કઠપુતળી કળા, પંજાબના ભાંગડા, ગુજરાતનો ગરબા અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ સૌએ પોતાની સંસ્કૃતિનો અહેસાસ કરાવ્યો હતો. વિવિધતામાં એકતાનું જીવંત દ્રશ્ય ભારત પર્વમાં અહીં જોવા મળ્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

વધુમાં તેમણે કહ્યું કે, પ્રદર્શની સ્ટોલોમાં દેશભરની હસ્તકળા, વસ્ત્રો, શિલ્પો અને હેન્ડમેડ પ્રોડક્ટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાનના મીરરવર્કથી લઈને ઉત્તરપૂર્વના બાંસના હસ્તઉદ્યોગો અને કાશ્મીરી પાશ્મીનાની સુંદરતાએ ભારતની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરી છે. હર્નિષાએ ઉમેર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનો અનુભવ એ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો રહ્યો છે. આ ભારત પર્વ ઉત્સવ ભારતીય એકતાનું પ્રતિક બન્યું છે. અહીં દરેક પ્રાંત, ભાષા અને સ્વાદ એક થઈને ભારતની આત્માને જીવંત કરે છે. ભારત પર્વના આ સ્ટુડિયો કિચનમાં ભલે પ્રાંત અને વાનગીઓ અલગ હોય પરંતુ સ્વાદનો ભાવ એક છે 'ભારતીય' એમ તેમણે કહ્યું હતું.

એકતા નગર ખાતે આયોજિત ભારત પર્વએ સ્વાદ, સંગીત, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો અનોખો મેળો છે જ્યાં ભારત પોતે પોતાના રંગમાં ઝૂમે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now