Raghu Desai Resignation : પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાંથી કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પાર્ટીથી છેડો ફાડ્યો છે. રઘુ દેસાઈ રાધનપુર વિસ્તારમાં મજબૂત જનાધાર અને પ્રભાવ ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. તેમના રાજીનામા બાદ સ્થાનિક સ્તરે કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતિ વધુ કમજોર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
છેલ્લા કેટલાક સમયથી રઘુ દેસાઈ પાર્ટીની આંતરિક બાબતોને લઈને અસંતોષ વ્યક્ત કરતા હતા અને નેતૃત્વ સાથે મતભેદોની ચર્ચા ચાલી રહી હતી. આખરે આજે તેમણે સત્તાવાર રીતે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય સંકેત સ્પષ્ટ કર્યા છે. કૉંગ્રેસના સ્થાનિક કાર્યકરો માટે આ નિર્ણય અચંબિત કરનાર રહ્યો છે, કારણ કે રઘુ દેસાઈએ હંમેશા રાધનપુરમાં પાર્ટી મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.
રાજકીય વર્તુળોમાં અટકળો તેજ!
હાલ રઘુ દેસાઈ આગળ કઈ રાજકીય દિશામાં જશે તે અંગે સસ્પેન્સ છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે તેઓ અન્ય કોઈ પક્ષ સાથે જોડાઈ શકે છે. રાજીનામા બાદ રાધનપુર વિસ્તારમાં નવી રાજકીય ગરમાગરમી સર્જાઈ છે અને આ પગલું આગામી ચૂંટણી સમીકરણોને અસર કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.




















