ભચાઉ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં લગભગ 400 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. કામદારો છેલ્લા કેટલાક દિવસથી પગાર વધારા અને યોગ્ય મજૂરીની માંગ સાથે ધરણા અને આંદોલન કરી રહ્યા છે.
પગાર વધારા મામલે આંદોલન
કામદારોના જણાવ્યા મુજબ, છેલ્લા સાત વર્ષથી કોઈપણ પ્રકારનો પગાર વધારો કરવામાં આવ્યો નથી. સાથે જ કુશળ અને અકુશળ કારીગરોને એકસરખી મજૂરી મળતી હોવાના કારણે લાંબા સમયથી અસંતોષ વ્યાપી રહ્યો છે. કામદારોનું કહેવું છે કે “જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.”
'કંપની તમામ કાનૂની નિયમોનું પાલન કરે છે'
બીજી તરફ, કંપની તરફથી સહદેવસિંહ જાડેજાએ કામદારોના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે 'અહીં કામદારોને તેમની કુશળતા મુજબ માસિક 30 હજારથી 50 હજાર રૂપિયા સુધીનો પગાર સીધો ચૂકવવામાં આવે છે, અને કંપની તમામ કાનૂની નિયમોનું પાલન કરે છે'.
કંપની અને કામદારો વચ્ચે મામલો ઉગ્ર
કંપની અને કામદારો વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણને કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સ્થાનિક શ્રમ વિભાગે બંને પક્ષો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, જેથી પરિસ્થિતિ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે, કારણ કે કામદારોના દાવા અને કંપનીના નિવેદન વચ્ચે મોટો વિવાદ ઉભો થયો છે. હડતાળ લાંબી ચાલે તો ઉત્પાદન અને રોજગારી બંને પર અસર થવાની શક્યતા છે.




















