ભરૂચ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટું ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ રેકેટ મારફતે ધોરણ 10, 12 અને ITIની નકલી માર્કશીટો દિલ્હીમાંથી તૈયાર કરવામાં આવતી હતી અને અંકલેશ્વર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતું હતું.
‘રોયલ એકેડમી ક્લાસિસ’ અને....
SOG ટીમે અંકલેશ્વરના મીરા નગર વિસ્તારમાં આવેલ ‘રોયલ એકેડમી ક્લાસિસ’ ખાતે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન પોલીસે જયેશ પ્રજાપતિ નામના એક ઇસમને ઝડપી પાડ્યો, જ્યારે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો રહેવાસી હાલ વોન્ટેડ છે. તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી 21 નકલી સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો, સાથે મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણો મળી કુલ ₹45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સર્ટિફિકેટો વિદ્યાર્થીઓને નોકરી અથવા એડમિશન માટે ઊંચી કિંમત પર વેચવામાં આવતા હતા.
નકલી શૈક્ષણિક પ્રમાણપત્રોનો પર્દાફાશ
ભરૂચ SOG ના અધિકારીઓએ જણાવ્યું કે, આ રેકેટ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક ધરાવે છે. અંકલેશ્વરનો જયેશ પ્રજાપતિ આ રેકેટમાં સ્થાનિક એજન્ટ તરીકે કામ કરતો હતો, જે ગ્રાહકો પાસેથી પૈસા લઈ દિલ્હીમાં સર્ટિફિકેટ તૈયાર કરાવતો હતો. હાલ પોલીસે દિલ્હી સ્થિત મુખ્ય આરોપી અને તેના સાથીદારોની શોધખોળ શરૂ કરી છે અને આ કૌભાંડમાં જોડાયેલા અન્ય લોકો વિશે માહિતી મેળવવા ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, નકલી શૈક્ષણિક પ્રમાણપત્રોના ગેરકાયદે વેપારનું મોટું જાળું દેશભરમાં કાર્યરત છે.




















