રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સઘન સુધારણા (SIR)ની કામગીરી શિક્ષકોને સોંપાતા શિક્ષણ ક્ષેત્રમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. માહિતી મુજબ, એક શૈક્ષણિક સત્રમાં કુલ 144 દિવસના શૈક્ષણિક કાર્ય નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંમાંથી શિક્ષકોને 90 દિવસ સુધી SIRની કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આ સ્થિતિમાં શિક્ષકો પોતાના મૂળ શિક્ષણ કાર્યથી દૂર રહી મતદાર યાદી સુધારણા, ઘેર-ઘેર ચકાસણી અને ફોર્મ ભરણાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે, અને અનેક જગ્યાએ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોવા મળી રહ્યા છે.
SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર!
શિક્ષકોનું કહેવું છે કે, તેમને દરેક શિક્ષકદીઠ 1000 થી 1500 મતદારોની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામગીરી દરમિયાન BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને એક જ ઘરે ત્રણથી ચાર વખત જવું પડતું હોય છે, જેના કારણે શાળામાં હાજરી ઘટી રહી છે. બીજી તરફ, તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શિક્ષક BLOની કામગીરીમાં હાજર નહીં રહે, તો તેમના વિરુદ્ધ ધરપકડના વોરંટ સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ કારણે શિક્ષકોમાં ભય અને અસંતોષનું માહોલ છે.
વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો?
શિક્ષણવિદોનું માનવું છે કે, આવી સ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા ઉપર ગંભીર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ સમય ખોરવાઈ રહ્યો છે, પરીક્ષા તૈયારીઓ પણ અધૂરી રહી શકે છે. શિક્ષક સંગઠનો દ્વારા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોને અશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન પડે અને શૈક્ષણિક ગુણવત્તા જળવાય.




















