અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે મળીને કાચબાનું સ્મગલિંગ કરતા આંતરરાજ્ય રેકેટનો ભાંડાફોડ કર્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે 10 જીવંત કાચબા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
10 કાચબા સાથે 4 આરોપી ઝડપાયા
માહિતી મુજબ, આ આરોપીઓ રાજસ્થાન અને ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ કાચબાઓને ગેરકાયદેસર રીતે પકડ્યા બાદ રાજસ્થાન મારફતે વિદેશ અથવા ભારતમાં જ ઊંચી કિંમતે વેચાણ કરતા હતા. પોલીસે તેમને પકડવા માટે ગુપ્ત માહિતીના આધારે રેઈડ હાથ ધરી હતી.
કાચબાઓને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે, અને તેમનો વેપાર કે પરિવહન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલમાં કાચબાઓને ફોરેસ્ટ વિભાગના કસ્ટડીમાં રાખી જરૂરી તબીબી તપાસ કરાઈ રહી છે, બાદમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે.
પોલીસ સઘન તપાસ હાથધરી
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ રેકેટની પાછળના મુખ્ય સુત્રધારો અને ખરીદદારો સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં વન્યજીવોના ગેરકાયદે વેપાર પર કડક લગામ લગાડવામાં મદદ મળશે.




















