હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને 7 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘગર્જના સાથે વરસાદ વરસવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં 4થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.