અમદાવાદના જોધપુર વિસ્તારમાં 5 સપ્ટેમ્બર, શુક્રવારની રાત્રે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની હતી. બિલેશ્વર મહાદેવ નજીક આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના ઘરમાં જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
ગોળી મારી આત્મહત્યા કરી
ઘટનાની જાણ થતાં તરત જ પરિવારજનો નજીકની શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલાની જાણ પોલીસને થતાં આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ રમેશ ઠાકોરે કોઈક વ્યક્તિગત કારણોસર ઘરમાં પોતાના જ હથિયારથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું લાગી રહ્યું છે. ગોળી ચાલવાના અવાજથી ઘરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી
હાલમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે અને હથિયાર કઈ રીતે મળ્યું તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આત્મહત્યાના ચોક્કસ કારણો હજુ અજાણ્યા છે અને પોલીસ દરેક દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.