ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ પ્રેસ કોન્ફરન્સ કરૂ જણાવ્યું હતું કે “શિક્ષણ બચાવો અભિયાન” હેઠળ ગુજરાત રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીના મુખ્યમથકથી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત કોંગ્રેસના શિક્ષણ જોડે સંકળાયેલા પૂર્વ સિન્ડિકેટ, સેનેટ સભ્ય કોંગ્રેસી આગેવાનોએ રાજ્યમાં શિક્ષણમાં થયેલ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગોલમાલને ઉજાગર કર્યા હતા.
ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ વધુમાં જણાવ્યું હતું કે, GCAS દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના વિધાર્થીઓને ખાનગી યુનિવર્સિટી તરફ વાળવાનો મોટો કારસો રચાયો છે. જેમ ચલચિત્રમાં એક ડાયલૉગના ઉપયોગ થયો હતોકે "તારીખ પે તારીખ"ની જેમ GCASમાં પ્રવેશ પ્રક્રિયામાં "રાઉન્ડ પે રાઉન્ડ" જેવી પરિસ્થિતિ છે. GCAS દ્વારા ૩૦-૩૦ રાઉન્ડ છતાં પણ પ્રવેશ પૂર્ણ ના થાય જ્યારે ગુજરાતની 125થી વધુ ખાનગી યુનિવર્સિટી અને અમદાવાદની આશરે ૩૦ ખાનગી યુનિવર્સિટીની હાટડીઓને ફાયદો થાય છે, અને વિધાર્થીઓને 4 મહિના સુધી પ્રવેશના મળતા મજબૂરીમાં હારી થાકીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની ફરજ પડી છે.
કોંગ્રેસની માંગ છેકે કાંતો ખાનગી યુનિવર્સિટીના પ્રવેશમાં GCAS દાખલ કરો નહીં તો સરકારી યુનિવર્સિટીને GCASના ચુંગલમાંથી મુક્ત કરો. ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીમાં કોમન એકટના કાળા કાયદાથી સરકારમાં બેઠેલ મળતિયાનો કરોડો અબજોની દાનમાં મળેલ જમીનો વેચવાનો પરવાનો મળ્યો છે. યુનિવર્સિટીની જમીનો પર કોર્પોરેટ હાઉસ બનાવી ખાનગી કંપનીઓના હવાલે કરવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાંથી માનીતાઓને લાખોના પગારની લહાણી કરવામાં આવે છે. 10 વર્ષ પેહલા બનેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ભક્ત નરસિંહ મેહતા યુનિવર્સિટીમાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને આવનારી 8 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે "જન સત્યાગ્રહ"માં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. દારૂ જુગાર અને ડ્રગની વધતી બદી વિરુદ્ધ અને પ્રદેશમાં ધોળા દિવસે બનતા હત્યા, લૂંટ બળાત્કાર જેવા ગંભીર ગુનાખોરી વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસ દ્વારા કથળતી કાયદો વ્યવસ્થા સામે "જન સત્યાગ્રહ"નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.