હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. જ્યારે સતત વરસાદને કારણે રાજ્યના અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા હતા. અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા હતા. જ્યારે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
અણીયારા ગામ બન્યું સંપર્ક વિહોણું
રાજકોટ જિલ્લામાં સતત વરસાદને કારણે અણીયારા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ભારે વરસાદને કારણે રાજકોટ ભાવનગર હાઈવે અને અણીયારાને જોડતો પૂલ જે છ મહિના થી બની રહ્યો છે. ધીમી કામગીરીને કારણે અવાર નવાર તંત્રની રજૂઆત કરવા છતાં પુલનું કામ પૂર્ણ થયેલ નથી. જેના કારણે અણીયારા ગામમાં પ્રવેશ કરવા ખુબ મૂશ્કેલ બની ગયો છે. લોકો ગામમાં જવા માટે દોરડાનો ઉપયોગ કરી રહ્યા છે. જીવના જોખમે લોકો ગામમાં પ્રવેશ કરી રહ્યા છે.
રાજ્યના 82 ડેમ 100 ટકા ભરાયા
સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.