Gujarat Legislative Assembly: ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના પહેલા ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, ''ત્રી દિવસીય સત્ર ફક્ત વિધાનસભાના નિયમ મુજબ મળી રહ્યું છે. 3 દિવસના સત્રમાં સરકાર ફક્ત પ્રશ્નોતરી, બિલ અને ઠરાવની વાહવાહી કરવા લાવી રહ્યું છે''
''આ સત્રમાં સરકાર પ્રજાના કામ માટે કોઈ કામ લાવી નથી''
શૈલેષ પરમારે કહ્યું કે, ''અમે ગંભીરા બ્રિજ તૂટવા અંગે 1 કલાકની ચર્ચા માગી હતી જ્યારે રાજ્યમાં તૂટેલા રોડ અંગે પણ 1 કલાકની ચર્ચા માગી હતી. સરકાર ઓપરેશન સિંદૂર પર પ્રસ્તાવ લાવશે જેમાં અમને માત્ર 7 મિનિટ ફાળવી છે''. વધુમાં કહ્યું કે, ''અમે ઓપરેશન સિંદૂરના પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય લંબાવવાની માગણી કરી હતી. GSTના દરોમાં થયેલા ફેરફાર બાદ સરકાર વાહવાહી કરવા પ્રસ્તાવ લાવે છે. આ સત્રમાં સરકાર પ્રજાના કામ માટે કોઈ કામ લાવી નથી''
દેશના કોઈપણ નેતા કોઈપણ રાજ્યમાં પ્રચાર કરી શકે છે: શૈલેષ પરમાર
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, ''દેશના કોઈપણ નેતા કોઈપણ રાજ્યમાં પ્રચાર કરી શકે છે. અરવિંદ કેજરીવાલ રાજકીય પક્ષ ચલાવે છે એટલે ગુજરાતમાં પણ આવે, કોંગ્રેસ હાલ સંગઠન મજબૂત કરી રહી છે અને અમે અમારા સંગઠનનું કામ કરી રહ્યા છીએ.
સરકાર સામે અવાજ ઉઠાવવા સભા...: શૈલેષ પરમાર
8મી તારીખે કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ અંગે શૈલેષ પરમારે કહ્યું કે, ''જન સત્યાગ્રહ માટે પોલીસની મંજૂરી માગી છે, વર્તમાન મુદ્દાઓ અંગે સત્યાગ્રહ છાવણી ખાતે સભાનું આયોજન કર્યું છે ત્યારે સરકાર સામે અવાજ ઉઠાવવા સભાનું આયોજન કરવામાં આવ્યું છે
''...તેની જવાબદારી શિક્ષણ વિભાગની છે''
જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં થયેલી મારામારી અંગે કોંગ્રેસે કહ્યું કે, ''રાજ્યની શાળાઓમાં છાસવારે મારામારીના બનાવો બને છે તેમજ શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ. સમાજ - સમાજ વચ્ચે મતભેદ થાય તેવો મેસેજ આવા બનાવોથી જાય છે, ત્યારે શાળામાં મારામારીની ઘટના ન બને અને સમાજમાં ખોટો મેસેજ ન જાય તેની જવાબદારી શિક્ષણ વિભાગની છે''