યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ધટના સર્જાઈ છે. ગુડ્સ રોપ વેનો વાયર તૂટતા 6 લોકોનાં મોત થયા છે. અત્રે જણાવીએ કે, પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલસામાનને લાવવા-લઈ જવા માટે તૈયાર કરવામાં આવેલી ગુડ્ઝ રોપ વે તૂટી પડ્યાની ઘટના સામે આવી છે. જે ગુડ્ઝ રોપ વે તૂટી પડતા 6ના મોત થયાની વિગતો સામે આવી છે.
2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો તેમજ 2 અન્યના મોત
અત્રે જણાવીએ કે, મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્ઝ રોપ વેનો પાવાગઢથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે
સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમો તેમજ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તેમજ બચાવ-રાહતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, ક્યા કારણોસર આ બનાવ બન્યો છે, જે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પેસેન્જર રોપ વે બંધ કરાઈ
દુર્ઘટના અંગે વિગતો આપતા SP હરેશ દુધાતે કહ્યું કે, 'માલસામાન લઈ જતો રોપ વે તૂટ્યો હોવાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ 6 લોકોનાં મોત થયાની જાણવા મળ્યું છે, જો કે, વધુ તપાસ ચાલુ છે. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પેસેન્જર રોપ વે પણ પવનના કારણે બંધ કરી દેવામાં આવી છે'.