પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની વિસ્તારમાં આવેલી એક એગ્રો કંપનીમાં ભારે બેદરકારી સામે આવી છે. કંપનીના ઉત્પાદન વિભાગમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ, ઉત્પાદન વિભાગમાં કામ દરમિયાન ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં ગરમ પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવ્યો. જેના કારણે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારોના શરીરના વિવિધ ભાગો પર ગરમ પાણી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે.
પાંચ શ્રમિકો દાઝ્યા
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી કરવામાં આવી અને તમામ ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી કામદારોની સ્થિતિ ગંભીર હોવાને પગલે તેમને વધુ સારી સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત કામદારો સારવાર હેઠળ છે
સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા
આ દુર્ઘટનાએ કંપનીના સલામતીના નિયમો અને તેના અમલ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો સુરક્ષા સંબંધિત સાધનો યોગ્ય રીતે કાર્યરત હોત અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત, તો આવી ઘટના ટાળી શકાત. કામદારોના પરિવારજનોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે