રાજ્યમાં ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બની છે. રાજકોટના આટકોટના જંગવડ પાસે ઈનોવા કાર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ઇનોવા કાર પલ્ટી જતા રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના કમકમાટી ભર્યા મોત થયા છે.
ઇનોવા કારે પલટી મારતા ત્રણના મોત
અત્રે જણાવીએ કે, આ ગંભીર અકસ્માતમાં મરણજનારમાં તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદ તેમજ આંધ્ર પ્રદેશના નરેશ સુબ્બારાવનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે.
દીવ જઈ રહ્યાં હતા
પાપ્ત માહિતી મુજબ આ ત્રણેય વિદ્યાર્થીઓએ ઇનોવા કાર ભાડે કરી કરી હતી તેમજ તેઓ ફરવા માટે દીવ જઈ રહ્યાં હતા, જે દરમિયાન રસ્તામાં કાળ ભરખી ગયો. આ ગમખ્વાર અકસ્માતમાં ગાડી પાપડની જેમ ભેગી થયેલી જોવા મળે છે. જો કે,સમગ્ર ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર ધટનાની જાણ થતાં પોલીસ કાફલો તેમજ અમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ગાડી સ્પિડ વધુ હોવાથી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.