Gujarat Legislative Assembly Session: ગુજરાત વિધાનસભાનું સત્ર તારીખ 8થી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેના પહેલા ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસના શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. જે બાદ પક્ષ-વિપક્ષના વિધાનસભા સત્રને લઈ નિવેદનો સામે આવ્યા છે. ત્યારે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે સત્રને લઈ મહત્વની માહિતી આપી હતી.
ગુજરાત વિધાનસભાનું સત્ર તારીખ 8, 9, 10 એ મળશે: ઋષિકેશ પટેલ
સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''સોમવારે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે તેમજ પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ રજૂ કરાશે તેમજ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે. સાથો સાથ શ્રમ, કૌશલ્ય વિકાસ-રોજગાર, નાણા, ઉદ્યોગ-ખાણ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સુધારા વિધેયક રજૂ કરાશે''.
અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી લાવશે: ઋષિકેશ પટેલ
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ''9મી તારીખે ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂર અંગે પ્રધાનમંત્રીને અભિનંદન પ્રસ્તાવ સરકાર લાવશે અને ઓપરેશન સિંદૂર બદલ PMને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી લાવશે ત્યારબાદ બીજા પ્રસ્તાવ તરીકે GSTના દરોમાં થયેલા ફેરફાર અંગેની લવાશે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ GST રિફોર્મ અંગેનો અભિનંદન પ્રસ્તાવ લાવશે. ત્યારબાદ 2 સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. 10મી તારીખે પ્રશ્નોતરી બાદ ગૃહમાં અન્ય 3 સુધારા વિધેયક લાવશે'' વધુમાં કહ્યું કે, ''વિધાનસભાની કામગીરી નિયમો મુજબ, બાબા સાહેબ આંબેડકરે રચેલા બંધારણ પ્રમાણે થાય છે. ગૃહમાં પક્ષોના સંખ્યાબળ મુજબ પ્રો રેટાના આધારે સમય મળે છે. કોંગ્રેસે જ જે નિયમોની અમલવારી કરી હતી તે મુજબ કામગીરી થાય છે''