અમદાવાદમાં આવેલી કે એન યુનિવર્સિટીના ચાન્સેલર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પૂર્વ વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવએ તેમના પર કરાયેલા આક્ષેપો મુદ્દે પોલીસ ફરિયાદ કરી છે. અત્રે જણાવીએ કે, વિજય શ્રીવાસ્તવએ વડોદરાની મહારાજા યુનિવર્સિટીની ખોટી ઓળખ આપી જાણી જોઈને વિજય કુમાર શ્રીવાસ્તવ તરીકેની માહિતી માગી અને બદનામ કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં પણ અપમાનજનક શબ્દો લખવામાં આવતા વિજય શ્રીવાસ્તવે સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ફરિયાદ MS યુનિવર્સિટીના પ્રોફેસર સામે નોંધાઈ છે.
2022થી જાન્યુઆરી 2025 સુધી વાઈસ ચાન્સેલર હતા
આપને જણાવીએ કે, શ્રીવાસ્તવ વર્ષ 2022થી જાન્યુઆરી 2025 સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવતા હતા. જે મામલે યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક દ્વારા યુનિવર્સિટીને બદનામ કરવામાં આવતા હોવાને લઈને તેમની વિરુદ્ધ તપાસ સોંપી હતી. બાદમાં દ્વેષભાવ રાખીને અવારનવાર સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં આક્ષેપો તેમના વિરુદ્ધ કરવામાં આવતા હતા.
ખોટી ડિગ્રી અંગે PDF વાયરલ કરવામાં આવી હતી
વિજય શ્રીવાસ્તવ એ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ ખાતેથી વર્ષ 2000માં પીએચડીની ડીગ્રી મેળવેલી હતી તેઓ અભ્યાસ કરતા હતા, ત્યારથી જ તેમના તમામ સર્ટિફિકેટમાં વિજયકુમાર નામ લખવામાં આવેલું છે. 3 સપ્ટેમ્બર 2025 ના રોજ whatsappના એક ગ્રુપમાં વિજય શ્રીવાસ્તવ એ બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે પીએચડીની ડિગ્રી મેળવી છે તે ખોટી છે તેવી પીડીએફ વાયરલ કરવામાં આવી હતી.
ડિગ્રી અંગેની તપાસ અને ખાત્રી કરી
જે સમગ્ર મામલે વિજય શ્રીવાસ્તવએ બુંદેલખંડ યુનિવર્સિટીમાં મેઈલ કર્યો અને તેમની ડિગ્રી અંગેની તપાસ કરી હતી. દરમિયાન સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ ડિગ્રી ખોટી હોવા અંગેની માહિતીની ખાત્રી કરી હતી. જે બાદમાં 4 સપ્ટેમ્બરના રોજ બુંદેલખંડ યુનિવર્સિટી દ્વારા વિગતવાર ઈમેલનો જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં સતીશ પાઠક દ્વારા જે email મોકલવામાં આવ્યો હતો તેની પણ નકલ મોકલવામાં આવી હતી.