અઢી વર્ષ પહેલાં GMERS મેડિકલ કોલેજ ખાતે એક બાળકનો જન્મ થયો.જન્મની સાથે જ ડોક્ટરોએ માતા-પિતાને બાળકના આરોગ્ય સંબંધિત જન્મજાત ખામીની જાણ કરી હતી. પરિવાર માટે આ સમાચાર દુ:ખદ અને ચિંતાજનક હતાં, પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમે માતા-પિતાને આશ્વાસન આપ્યું કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. ડોક્ટરોના કાઉન્સેલિંગથી પરિવારમાં આત્મવિશ્વાસ જાગ્યો અને હિંમત આવી.
આ કેસમાં RBSKની ટીમ નાંદોદ તાલુકાના પોઈચા ગામના બાળક જયદેવ રાજેશભાઈ બારિયાના આરોગ્ય પર છેલ્લા અઢી વર્ષથી સતત નજર રાખતી રહી, આજે બાળક અઢી વર્ષનું છે, દર અઠવાડિયે ઘરે જઈને બાળકના પોષણ, વૃદ્ધિ અને આરોગ્ય સંભાળના દરેક પાસાંઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. RBSK ટીમના માર્ગદર્શન હેઠળ બાળકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત સર્જન દ્વારા કોન્જેનિટલ મેલફોર્મેશન મેન્ડિબ્યુલર હાઇપોપ્લેસિયાનું નિ:શુલ્ક ઓપરેશન કરાયું હતું. ટૂંકમાં, બાળકના ઓછા વિકાસશીલ નીચલા જડબાનું સફળ ઓપરેશન કરાયું હતું. જે ટીમના માર્ગદર્શન, સંકલન અને સતત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, આ કેસ RBSKના સંકલન અને ટીમવર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. RBSKની ટીમ માત્ર તબીબી સેવા નથી આપતું, તે માતા-પિતા માટે આશાનું કિરણ છે. આરોગ્ય કાર્યકરથી લઇ નિષ્ણાંત સર્જન સુધી તમામે આ કેસમાં અંગત રસ દાખવ્યો છે. ઓપરેશન બાદ પણ ટીમ દ્વારા બાળકના પોષણ સંબંધિત બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી તે બાળક એક સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકે.
બાળકના પિતા રાજેશભાઈ બારિયાએ જણાવ્યું કે, જ્યારે અમને ખબર પડી કે અમારા બાળકને જન્મથી જ ખામી છે, ત્યારે અમે માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. આરોગ્ય વિભાગની ટીમે અમને હિંમત આપી અને સમજાવ્યું કે, સમયસર સારવારથી અમારા બાળકનું ભવિષ્ય ઉજળું બની શકે છે. અમે હંમેશા RBSK ટીમના સંપર્કમાં રહ્યાં અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મારા બાળકનું નિ:શુલ્ક ઓપરેશન સફળતાપૂર્વક થયું. બારીયાએ વધુમાં ઉમેર્યું કે, ઓપરેશન બાદ પણ આર.બી.એસ.કે.ની ટીમ દર અઠવાડિયે ઘરે આવીને બાળક પર દેખરેખ રાખીને તેના સર્વાંગી વિકાસ માટે બાળશક્તિ સહિત તમામ પ્રકારના પૌષ્ટિક આહાર ખવડાવવા માટે માર્ગદર્શિત કરે છે. આ તકે, તેમણે આરોગ્ય ટીમ, નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
RBSK ભારત સરકારની અનોખી પહેલ
RBSK વિષે જાણીએ તો, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ભારત સરકારની અનોખી પહેલ છે, જે 0 થી 18 વર્ષની વયના બાળકોમાં આરંભિક તબક્કે આરોગ્ય ખામીઓની ઓળખ અને સારવાર માટે કાર્યરત છે. આ ટીમમાં મેડિકલ ઓફિસર, ANM અને ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે, જે આંગણવાડી, શાળાઓ અને હોસ્પિટલોમાં બાળકોનું સ્ક્રિનિંગ તેમજ માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે છે.
RBSK ની ટીમે આ કેસમાં ખુબ રસ દાખવ્યો
પ્રત્યેક બાળકની આંખોમાં સપનાઓ હોય છે કે, તે આકાશમાં ઉંચી ઉડાન ભરે. બાળકોના આરોગ્ય તેમજ સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને RBSK ની ટીમે આ કેસમાં ખુબ રસ દાખવ્યો હતો. પરિણામે બાળકનું ઓપરેશન સફળ રહ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે પણ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.આ ટીમમાં મેડિકલ ઓફિસર ડો.ધવલ પટેલ, ડો.હિમાંશુ પંચોલી, ડો. અર્ચના હિંગરાજીયા, રીના વસાવા અને દિપા વસાવા સહિત પોઈચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસ ડો. નટવર બારજોડની મહત્વની ભૂમિકા રહી છે.