રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે દિલ્હી આવી પહોંચ્યા છે અને શુક્રવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવાના છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે ખાસ બપોરના ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ હાઉસ માત્ર એક ઈમારત નથી પરંતુ સત્તા અને શાનદાર વારસાનું પ્રતીક છે. નિઝામના આલીશાન મહેલ તરીકે શરૂ થયેલી આ સફર આજે વૈશ્વિક નેતાઓ માટેના ડિપ્લોમેટિક હબ સુધી પહોંચી છે.
હૈદરાબાદ હાઉસના ઈતિહાસ પર નજર કરીએ તો તેનું નિર્માણ વર્ષ 1926 દરમિયાન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ રિયાસતના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાને તે સમયે 8.2 એકર જમીન ખરીદી હતી. તે જમાનામાં આ ભવન બનાવવા પાછળ અંદાજે 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જે આઝાદી પહેલાના સમય મુજબ ખૂબ મોટી રકમ ગણાતી હતી. જો આપણે ગત સદીના મોંઘવારી દરને 7 ટકાના સરેરાશ હિસાબે ગણીએ તો આજના સમયમાં તેની કિંમત લગભગ 378 કરોડ રૂપિયા જેટલી થાય. તે સમયે રજવાડાઓના શાસકોને ચેમ્બર ઓફ પ્રિન્સીસની બેઠકો માટે દિલ્હી આવવું પડતું હતું તેથી રહેવા માટે તેમણે અહીં મહેલો બનાવ્યા હતા. દિલ્હીમાં આવેલા બિકાનેર હાઉસ અને પટિયાલા હાઉસ પણ તેનો જ એક ભાગ છે.
આ ભવ્ય ઈમારતની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમણે આમાં યુરોપિયન અને મુઘલ સ્થાપત્ય કળાનો અદ્ભુત સંગમ કર્યો છે. પતંગિયાના આકારમાં બનાવેલા આ ભવનમાં શરૂઆતમાં 36 રૂમ હતા જેમાંથી ચાર રૂમ જનાના એટલે કે મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા હતા. ઈન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન મુજબ આ ઈમારતમાં મધ્યમાં એક વિશાળ ગુંબજ અને સુંદર બગીચાઓ આવેલા છે.
મહેલની અંદરના સુશોભન માટે બર્માના સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફર્નિચર લંડનના હોટલ સ્યૂટ જેવું બનાવવામાં આવ્યું હતું. અહીંનો ડાઈનિંગ હોલ એટલો વિશાળ છે કે તેમાં એકસાથે 500 મહેમાનો ભોજન લઈ શકે છે. આ મહેલની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે સમયે અહીં ઈલેક્ટ્રિક ફિટિંગનો સામાન પણ ન્યૂયોર્કથી મંગાવવામાં આવ્યો હતો. અહીં પાથરવામાં આવેલા કિંમતી ગાલીચાઓ ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવ્યા હતા.
વર્તમાન સમયમાં હૈદરાબાદ હાઉસનો તમામ વહીવટ ભારત સરકારના વિદેશ મંત્રાલય હેઠળ આવે છે. સરકારે વર્ષ 1954 માં તેને લીઝ પર લીધું હતું અને તેની જાળવણી તથા કેટરિંગની જવાબદારી આઈટીડીસી સંભાળે છે. 90 ના દાયકાની શરૂઆતમાં કેન્દ્ર અને તત્કાલીન આંધ્ર પ્રદેશ સરકાર વચ્ચે જમીનની અદલાબદલીનો કરાર થયો હતો જેના પરિણામે આંધ્ર પ્રદેશ ભવનની આસપાસની જમીન રાજ્યને આપવામાં આવી હતી.





















