Home International First Time In History Al Aqsa Mosque Locked On Eid After 60 Years Ban On Open Ground Prayers In Uae And Qatara

ઈતિહાસમાં પ્રથમવાર : 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 04:30 AM IST

Eid special: દુનિયાભરમાં મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ વખતે મિડલ ઈસ્ટમાં તહેવારનો ઉત્સાહ યુદ્ધના નગારા નીચે દબાઈ ગયો છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૨૨ દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે ઈદના જશ્ન પર લોહીયાળ છાયા જોવા મળી રહી છે. ઈતિહાસમાં 60 વર્ષમાં પહેલીવાર ઈઝરાયલના યરુશલમમાં સ્થિત પવિત્ર અલ-અક્સા મસ્જિદને ઈદની નમાઝ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે સમગ્ર મુસ્લિમ જગતમાં ચિંતા જન્માવી છે.

1969ના આરબ-ઈઝરાયલ યુદ્ધ પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે ઈસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ અલ-અક્સાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું હોય. યુદ્ધની આ ગંભીર અસરો માત્ર પેલેસ્ટાઈન કે ઈઝરાયલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઈરાન, કતાર, UAE અને કુવૈત જેવા દેશોમાં પણ ઈદની રોનક ગાયબ જોવા મળી રહી છે.

ખાડી દેશોમાં સન્નાટો: ખુલ્લા મેદાનોમાં નમાઝ પર પ્રતિબંધ

ઈરાન સિવાયના મોટાભાગના ખાડી દેશોમાં શુક્રવારે ઈદ મનાવવામાં આવી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કુવૈત જેવા દેશોમાં દર વર્ષની જેમ ખુલ્લા મેદાનોમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ઈરાનમાં જ્યાં દર વર્ષે ઈદ અને ફારસી નવ વર્ષ નિમિત્તે બજારો રોશનીથી ઝળહળતા હોય છે, ત્યાં આ વખતે બજારો સૂમસામ ભાસી રહ્યા છે. લોકોમાં યુદ્ધનો ફફડાટ અને આર્થિક સંકટ એટલું ઊંડું છે કે, ખરીદી માટે ભીડ નહિવત જોવા મળી રહી છે.

દેશવાર સ્થિતિ: ક્યાં કેવો રહ્યો માહોલ?

  • ગાઝા અને લેબનોન: ગાઝામાં મહિલાઓ મોંઘવારી વચ્ચે પણ ઈદની ખરીદી કરતી જોવા મળી હતી, જોકે ત્યાં જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. લેબનોનમાં લોકો શેલ્ટર હોમ પાસે સાદગીથી ઈદ મનાવી રહ્યા છે.

  • ઈરાક: બગદાદમાં ઈદની નમાઝ દરમિયાન ૨૮ ફેબ્રુઆરીએ માર્યા ગયેલા ખામેનીના પોસ્ટરો સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા.

  • તુર્કીયે અને બ્રિટન: તુર્કીની સૌથી મોટી ગ્રાન્ડ કેમલિકા મસ્જિદ અને બ્રિટનના બર્મિંગહામમાં મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી હતી, જ્યાં સ્થિતિ પ્રમાણમાં શાંત જોવા મળી હતી.

ભારત-ખાડી દેશો વચ્ચે ઈદ સ્પેશિયલ ફ્લાઈટ્સ

યુદ્ધના તણાવ વચ્ચે પણ મુસાફરોની સુવિધા માટે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ભારત અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે વિશેષ ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેદ્દાહ (સાઉદી અરેબિયા) અને મસ્કટ (ઓમાન) માટે નિયમિત ઉડ્ડયનો ચાલુ રહેશે. ભારત અને જેદ્દાહ વચ્ચે અંદાજે 16 ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે જેથી તહેવાર નિમિત્તે લોકો પોતાના વતન જઈ શકે.

રાહતના સમાચાર: પાક-અફઘાન સરહદે ૫ દિવસનો યુદ્ધવિરામ

ભારે તણાવ વચ્ચે એક આશાસ્પદ સમાચાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદેથી આવ્યા છે. સાઉદી અરેબિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ બંને દેશોએ ઈદ નિમિત્તે 5 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે, 18 માર્ચથી 24 માર્ચ સુધી કોઈ પણ હુમલો કરવામાં આવશે નહીં, જોકે આતંકવાદી ઘટના બનશે તો ઓપરેશન ફરી શરૂ કરી દેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now