Home International Raymond Md Gautam Singhania Speedboat Accident Maldives

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત : મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 05:14 PM IST

રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ સિંઘાનિયા એક ભયાનક દરિયાઈ અકસ્માતનો ભોગ બન્યા છે. માલદીવમાં વેકેશન માણી રહેલા સિંઘાનિયાની સ્પીડબોટ પલટી જતાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. હાલમાં તેઓ મુંબઈ પરત ફર્યા છે અને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. સિંઘાનિયાના પ્રવક્તાએ આ ઘટનાને કમનસીબ ગણાવતા જણાવ્યું છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ રિકવર થઈ રહ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે વહેલી સવારે 1.15 વાગ્યે વાવૂ અટોલના વી ફેલિધૂ ટાપુ પાસે ઘટી હતી. ગૌતમ સિંઘાનિયા જે સ્પીડબોટમાં સવાર હતા તે અચાનક સમુદ્રમાં પલટી ગઈ હતી. આ બોટમાં સિંઘાનિયા સહિત કુલ 7 પ્રવાસીઓ હતા, જેમાં 5 ભારતીયો, એક બ્રિટિશ અને એક રશિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓમાં જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ પણ સામેલ હતા. કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કિનારાથી અંદાજે 2 માઈલ દૂર થયો હતો.

રેસ્ક્યુ ઓપરેશન અને ઈજાઓ

માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ ટુકડીએ સિંઘાનિયાને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જોકે અન્ય કેટલાક પ્રવાસીઓને શોધવા માટે હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે. સમુદ્રના મોજા ઉછળતા હોવાને કારણે અન્ય ગુમ થયેલા ભારતીયોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. અહેવાલો મુજબ, આ અકસ્માતમાં એક મુસાફરનો હાથ કપાઈ ગયો હોવાની ગંભીર વિગતો પણ સામે આવી છે.

એડવેન્ચરના શોખીન છે સિંઘાનિયા

ઉલ્લેખનીય છે કે 1925માં મહારાષ્ટ્રના થાણેથી શરૂ થયેલી વિશ્વપ્રસિદ્ધ 'રેમન્ડ' કંપનીને ઊંચાઈ પર લઈ જવામાં સિંઘાનિયા પરિવારનો મોટો હાથ છે. ગૌતમ સિંઘાનિયા વ્યવસાયની સાથે સાથે એડવેન્ચર સ્પોર્ટ્સના પણ ભારે શોખીન છે. તેઓ પોતે એક પ્રોફેશનલ રેસર છે અને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રેલી ખેતાબ જીતી ચૂક્યા છે. આ વખતે તેઓ રજાઓ ગાળવા માટે માલદીવ ગયા હતા, જ્યાં આ અશુભ ઘટના બની છે. સિંઘાનિયાના ચાહકો અને મિત્રો તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now