Home International President Draupadi Murmu Took Blessings Of Sant Premanand Maharaj In Vrindavan Received Grand Welcome

President Droupadi Murmu : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 11:26 AM IST

ભારતની આધ્યાત્મિક ભૂમિ અને કૃષ્ણ ભક્તિના કેન્દ્ર સમાન વૃંદાવનમાં હાલમાં ભક્તિનો માહોલ જામ્યો છે. પોતાના બ્રજ પ્રવાસના બીજા દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાણીતા સંત પ્રેમાનંદ જી મહારાજની મુલાકાત લીધી હતી. રાધા કેલી કુંજ આશ્રમમાં યોજાયેલી આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક સંવાદનું કેન્દ્ર બની હતી. રાષ્ટ્રપતિએ અહીં મહારાજશ્રી સાથે અંદાજે 27 મિનિટ સુધી મંત્રણા કરી હતી, જેમાં જીવનના સાર અને નામ જપના મહત્વ વિશે ઊંડી ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં જોવા મળ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજે તેમનું સ્વાગત 'રાધે-રાધે' કહીને કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિની સાથે તેમના પરિવારના સભ્યો અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેમાનંદ મહારાજે આપ્યો જીવન જીવવાનો મંત્ર: 'નામ જપ જ ઉદ્ધારનો માર્ગ'

આશ્રમમાં બેઠક દરમિયાન સંત પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિ સાથે આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા કરી હતી. મહારાજશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ભાગદોડ ભર્યા જીવનમાં અને જવાબદારીઓ વચ્ચે 'નામ જપ' એ જ મનુષ્યના જીવનના ઉદ્ધારનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. આશ્રમ તરફથી રાષ્ટ્રપતિને સ્મૃતિ ચિહ્ન તરીકે પ્રસાદી રૂપે દુપટ્ટો, માળા અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ પણ ખૂબ જ આસ્થા સાથે આ આશીર્વાદ સ્વીકાર્યા હતા.

Image

પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન

પોતાના પ્રવાસના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિએ વૃંદાવનના પ્રખ્યાત 'પ્રેમ મંદિર'ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભગવાન રાધા-કૃષ્ણના વિગ્રહ સામે શીશ નમાવ્યું હતું અને વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિએ મંદિરમાં યોજાયેલો વિશેષ લેઝર શો પણ નિહાળ્યો હતો અને મંદિર પરિસરની પરિક્રમા કરી હતી. ત્યારબાદ તેઓ 'ઇસ્કોન મંદિર' (શ્રી શ્રી કૃષ્ણ બલરામ મંદિર) પહોંચ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે પૂજા કરી હતી અને થોડો સમય ધ્યાન પણ ધર્યું હતું.

Image

સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરક્ષા વ્યવસ્થા

ઇસ્કોન મંદિર ખાતે રાષ્ટ્રપતિએ નાની બાળકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ નૃત્ય અને ભજન કીર્તનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિની આ મુલાકાતને પગલે સમગ્ર વૃંદાવન અને મથુરામાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે અને રાષ્ટ્રપતિનો પ્રવાસ નિર્વિઘ્ન સંપન્ન થાય. મહત્વનું છે કે, આ મુલાકાત દેશના સર્વોચ્ચ બંધારણીય પદ અને ભારતની પ્રાચીન સંત પરંપરા વચ્ચેના અદભૂત સમન્વય સમાન રહી હતી, જેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now