Home International India Afghanistan Medical Aid Pakistan Attack Kabul

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ : કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 04:08 PM IST

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા 16 માર્ચના રોજ કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ભારત સરકારે માનવતાવાદી અભિગમ અપનાવીને મોટી સહાયની જાહેરાત કરી છે. પાડોશી દેશમાં સર્જાયેલી આ કપરી પરિસ્થિતિમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ભારત દ્વારા તાત્કાલિક ધોરણે 2.5 ટન જેટલી ઈમરજન્સી દવાઓ, તબીબી સામગ્રી અને મેડિકલ કિટ કાબુલ મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારત હંમેશા અફઘાનિસ્તાનના સામાન્ય લોકોની સાથે મક્કમતાથી ઊભું છે અને આ મુશ્કેલ સમયમાં તમામ સંભવિત માનવીય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા ઓમિદ ડ્રગ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ભારત સરકારે આ હુમલાની આકરી નિંદા કરતા તેને અત્યંત બર્બર અને ક્રૂર ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાનની આ હરકતને તેના અસલી ચરિત્રનો પુરાવો ગણાવ્યો હતો. તાલીબાન પ્રશાસન તરફથી મળેલી વિગતો મુજબ, આ નશા મુક્તિ કેન્દ્ર પર થયેલા હવાઈ હુમલામાં સારવાર લઈ રહેલા અંદાજે 400 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની આ કાર્યવાહીને જઘન્ય આક્રમણ ગણાવતા કહ્યું કે આ હુમલો અફઘાનિસ્તાનની સંપ્રભુતા પરનો સીધો પ્રહાર છે અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે. રણધીર જાયસવાલે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવા માટે સરહદ પાર હિંસાનો સહારો લઈ રહ્યું છે જે અત્યંત બેજવાબદાર વર્તન છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ આક્રમણની હવે સમગ્ર વિશ્વમાં ટીકા કરવામાં આવી રહી છે.

જે હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી તે અગાઉ અમેરિકાનું મિલિટરી બેઝ હતું. વર્ષ 2021માં સત્તા પરિવર્તન બાદ તાલીબાને આ વિસ્તારનો કબજો મેળવી તેને નશા મુક્તિના દર્દીઓ માટેના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું હતું. હાલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે અને ભારત દ્વારા મોકલવામાં આવેલી આ મેડિકલ કિટ અને ઇમરજન્સી સાધનો પીડિતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now