PM Modi on Gujarat tour : PM નરેન્દ્ર મોદી આજે એટલે કે, 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા કાર્યક્રમો, વિકાસલક્ષી યોજનાઓના ઉદ્ઘાટન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ મુલાકાતોમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે 8 વાગ્યે તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં યોજાનારા ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને ત્યારબાદ મંદિરમાં આયોજિત આકર્ષક ડ્રોન શો નિહાળશે. આ દિવસે વડાપ્રધાન મોદીનું રાત્રિ રોકાણ સોમનાથમાં જ રહેશે.
PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે
11 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રામાં જોડાશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે અને સવારે 11 વાગ્યે સોમનાથ ખાતે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાને સંબોધન કરશે. સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જશે, જ્યાં તેઓ બપોરે 2 વાગ્યે રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાજકોટથી અમદાવાદ પહોંચશે. સાંજે 5:15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો ફેઝ–2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ વ્યસ્ત દિવસ બાદ વડાપ્રધાન મોદીનું રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં રહેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માં ભાગ લેશે
12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત કરશે. સવારે 9:30 કલાકે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે અમદાવાદમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. સવારે 11:15 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં વિવિધ દ્વિ-પક્ષીય બેઠકો અને ચર્ચાઓ યોજાશે. આ રીતે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ ધાર્મિક, વિકાસ અને વૈશ્વિક સહકારના મહત્વપૂર્ણ સંદેશ સાથે પૂર્ણ થશે.





















