Home Gujarat Surat New Coastal Highway Will Be A Game Changer For Gujarat Distance Between Surat And Bharuch Will Be Reduced By 15 Kilometer

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર : સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 03:10 PM IST

Coastal Highway to Link Ports : ગુજરાત રાજ્ય અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મુંબઈના કોસ્ટલ રોડની સફળતા બાદ હવે ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોને જોડતો એક મહત્વાકાંક્ષી 'કોસ્ટલ હાઈવે' સાકાર થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડે, પરંતુ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને બંદરો માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે.

365 કરોડનો ખર્ચ અને 15 કિમીનું અંતર ઘટશે

સુરતના ઓલપાડ તાલુકાના પારડી ઝાખરી ગામે તાજેતરમાં જ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે આ હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. કુલ ખર્ચ ₹365 કરોડ. લંબાઈ: 18 કિલોમીટર લાંબો, ફોર-લેન હાઈવે. સુરત અને ભરૂચ વચ્ચેનું અંતર 15 કિમી ઘટશે, જેનાથી અંદાજે 30 મિનિટનો સમય બચશે. હજીરા અને દહેજ જેવા મોટા બંદરો (પોર્ટ્સ) સીધા એકબીજા સાથે જોડાશે.

ઉદ્યોગો અને બંદરો માટે વરદાન

હાલમાં ભરૂચ અને સુરત વચ્ચેનું અંતર અંદાજે 55 કિલોમીટર છે, જે આ નવા લિંક રોડના નિર્માણ બાદ ઘટીને 40 કિલોમીટર થઈ જશે. હજીરા પોર્ટ પરથી આવતો હેવી ટ્રાફિક હવે સીધો આ કોસ્ટલ હાઈવે પર ડાયવર્ટ કરી શકાશે, જેનાથી મુખ્ય માર્ગો પરનું ભારણ ઘટશે. આ ઉપરાંત, દહેજમાં સ્થિત તરતા કાર્ગો ટર્મિનલ સાથેની કનેક્ટિવિટી પણ વધુ સુદ્રઢ બનશે. આ હાઈવેના રૂટને સરળ બનાવવા માટે સેનાખડી ક્રીક અને કીમ નદી પર ભવ્ય પુલ બનાવવામાં આવશે.

હાઈવે સાથે જોડાનારા મુખ્ય માર્ગો અને ગામો

આ નવો લિંક રોડ ઓલપાડ તાલુકાના ચાર મહત્વના રૂટને એકબીજા સાથે સાંકળશે..

  • 1. સુરત - ઓલપાડ - સાહોલ રોડ

  • 2. સુરત - દાંડી રોડ

  • 3. ઓલપાડ - કરંજ રોડ

  • 4. ઓલપાડ - સરસ - કુડિયાણા રોડ

આ હાઈવેના નિર્માણથી દાંડી, મોર, નેસ અને ભગવા જેવા દરિયાકાંઠાના ગામોને સીધો લાભ મળશે. સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થા સુધરવાથી રોજગારીની નવી તકો ઉભી થશે અને પ્રવાસન (Tourism) ને પણ વેગ મળશે.

PM મોદીના વિઝન મુજબનો પ્રોજેક્ટ

ગુજરાત પાસે 1600 કિલોમીટરથી વધુ લાંબો વિશાળ દરિયાકિનારો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'કોસ્ટલ કનેક્ટિવિટી'ના વિઝનને સાકાર કરવા માટે આ હાઈવે એક મહત્વનું સોપાન છે. તે માત્ર રસ્તો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની એક નવી લાઈફલાઈન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now